ગુજરાત
News of Monday, 5th December 2022

તરોપા હાઈસ્કૂલ ખાતે નેત્ર નિદાન અને દંત ચિકિત્સા કેમ્પનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : શ્રી આર એન દીક્ષિત હાઇસ્કુલ તરોપા ખાતે સ્વેત ડેન્ટલ ક્લિનિક રાજપીપળા દ્વારા દંત ચિકિત્સા કેમ્પ અને સેવા રૂરલ ઝઘડિયા આયોજિત નેત્ર નિદાન કેમ્પનું આયોજન નર્મદા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ નિલેશકુમાર વસાવાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું.

  આ કેમ્પમાં આજુબાજુના 15 જેટલા ગામના લોકો દ્વારા લાભ લેવામાં આવ્યો જેમાં 302 જેટલા લોકોના આંખના વિવિધ રોગોનું નિદાન કરાયું. જેમાંથી 50 દર્દીઓને મોતિયા અને આંખના બીજા રોગ માટે ઓપરેશન માટે ઝઘડિયા ખાતે રિફર કરવામાં આવ્યા, તેમજ 217 જેટલા દર્દીઓને વસાવા પરિવાર દ્વારા મફત ચશ્માનુ વિતરણ કરવામાં આવ્યું હતું .

  આ તબક્કે  સેવા રૂરલ ઝઘડિયાની ટીમ અને ડોક્ટર ઇશાનકુમાર દ્વારા આંખના વિવિધ રોગો નુ નિદાન કરી લોકોને સેવા પૂરી પાડવામાં આવી હતી. સ્વેત ડેન્ટલ ક્લિનિકના ડોક્ટર ઈશિતા વસાવા દ્વારા 54 જેટલા દર્દીઓને તપાસી અને મફત નિદાન અને સારવાર કરવામાં આવી હતી.આ તબક્કે કેળવણી મંડળના મંત્રી મીનાબેન અને તેમનો પરિવાર હાજર રહી કેમ્પની સફળતા માટે શુભકામના વ્યક્ત કરી હતી છેલ્લા 17 વર્ષથી આ શાળામાં નેત્ર નિદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવે છે. શ્રી આર એન દિક્ષીત હાઈસ્કૂલ તરોપાના સ્ટાફ અને વિદ્યાર્થીઓ દ્વારા આ કેમ્પના લાભાર્થીઓની સતત ખડે પગે રહી સુંદર સેવા પૂરી પાડવામાં આવે છે.

 

(10:02 pm IST)