ગુજરાત
News of Monday, 6th February 2023

નર્મદા જિલ્લામા 146 જેવી આંગણવાડીઓની હાલત બિસ્માર છતાં ICDS વિભાગ નિંદ્રામાં.??

- નર્મદા જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ કેમ તેમના હસ્તક ચાલતા ICDS વિભાગની કામગીરીની સમીક્ષા કરતા નથી:જિલ્લામા 146 જેટલી જર્જરીતમા ગણાવાયેલા આંગણવાડી કેન્દ્રો ક્યારે બનશે? તેમ પૂછતા પ્રોગ્રામ ઓફિસરે ખાનગી કંપનીઓનો હવાલો આપી, આયોજન મંડળ ગ્રાન્ટ ફાળવે ત્યારે બનશે તેવા સરકારી જવાબો આપ્યા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લા નો એસ્પીરેશનલ જિલ્લા તરીકે 2019મા સમાવેશ કરાયા બાદ પણ જિલ્લાની આંગણવાડી કેન્દ્રો ની દારુણ પરિસ્થિતિમાં ખાસ કોઈ સુધારો જોવા મળતો નથી, નર્મદા જિલ્લાના 5 તાલુકા નાંદોદ, ડેડીયાપાડા, સાગબારા, ગરુડેસ્વર અને તિલકવાડામા આવેલી મોટા ભાગની આંગણવાડીઓ જર્જરિત અને જોખમી બની છે, જિલ્લાના પ્રોગ્રામ ઓફિસર ક્રિષ્ના બેન પટેલ તરફથી મળતી માહિતી મુજબ જિલ્લામાં કુલ 146 જેટલી બાળ આંગણવાડી કેન્દ્રોને જર્જરિત ગણાવાઈ છે. ત્યારે મોટા ભાગની આંગણવાડીમા આવતા બાળકોને ક્યાં તો ખુલ્લામા ક્યાં તો ભાડાના મકાનોમા મજબૂરી વશ બેસાડવામાં આવે છે, એમાં પણ ભાડાના મકાનોના ભાડુઆતોને મહિનાઓથી ભાડું સુદ્ધાં ચૂકવાયું નથી ત્યારે ભાડે મકાન આપનાર કેટલાક મકાન માલિકો રહેમ રાહે આંગણવાડી કેન્દ્રો ચલાવવા દઈ રહ્યા છે.

વિકાસ, વિકાસ, વિકાસના બૂમ બરાડા પાડતી સરકાર અને સરકારનું ICDS તંત્ર એટલું બધું નિષ્ક્રિય બની ચૂક્યું છે કે નાનાં ભૂલકાઓને પડી રહેલી હાલાકી પણ દેખાતી નથી? ગામે ગામ ની આંગણવાડીઓ મા અવ્યવસ્થા અને ઉણપો ની ખોટ નથી ક્યાંક મકાન જર્જરિત છે, તો ક્યાંક પાણી અને શૌચાલય નથી, તો ક્યાંક બારણા પણ તૂટી ગયા છે, તો ક્યાંક ફર્શ ના પથરા પણ ઉખડી ગયા છે, મચ્છરો અને ગંદકી ના સામ્રાજ્ય વચ્ચે આ કુમળા બાળકોનું સ્વાસ્થ્ય સુધરે કે બગડે? આ બાબત ચકચકાટ ઓફિસો મા બેસતા અધિકારીઓ ને સૂઝતી કેમ નથી??
નાંદોદ તાલુકાના સીસોદ્રા ગામે 3, લાછરસ ગામે 1, રાજપીપળા દક્ષિણ ફળિયા મા 1, ચુનારવાળામા 1, ધમણાચા ગામે 2 અને બીજી કેટલીય આંગણવાડીઓના મકાનો અત્યન્ત જર્જરિત હાલતમા જોવા મળ્યા, જોખમી હોવા છતાં 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પરાણે બેસાડવામાં આવે છે.લાછરસ ગામની આંગણવાડી કેન્દ્રમા પીવાના પાણીની ટાંકીમા કાટ અને કચરો જોવા મળ્યો, વોટર પયુરિફાયર વર્ષો પહેલા ફિટ કરવામાં આવ્યું પણ ક્યારેય ચાલુ નથી કરાયું શૌચાલયમા પાણીનું કનેક્શનજ નથી બોલો આવી તમામ પ્રાથમિક સુવિધાથી વંચિત છે આ કુમળાં બાળકો
નાંદોદ તાલુકા ના ધમણાચા ગામે તો આંગણવાડી કેન્દ્રનું મકાન એટલી હદે જર્જરિત બન્યું કે બારી બારણા તૂટીને નવરા થયેલા જોવા મળ્યા અને છત પણ પડે તેવી સ્થિતિમા હતી, ત્યારે બાળકોને ખુલ્લામા બેસાડવામાં આવ્યા હોવાનું જણાયું હતું અને બાળકો માટે જમવાનું નજીક માં રહેતા રસોઈ કરનાર બહેન પોતાના ઘરે બનાવી લાવતા હોવાનું જાણવા મળ્યું. સરકારી તંત્ર જાણે હવે ખાનગી કંપનીઓ ના સહારે ચાલતું હોય એમ છાસવારે "CSR ફંડ" થી આ દાન કરાયું ને તે દાન કરાયાની પ્રેસ નોટો આવતી રહે છે, કેટલીક આંગણવાડી ના મકાનો ONGC બાંધી આપે છે તો શું હવે આંગણવાડી કેન્દ્રો પણ ખાનગી કંપનીઓ ના દાન પુણ્ય થી ચાલશે?? એવા પ્રશ્નો ઉઠી રહ્યા છે.

(10:16 pm IST)