વડોદરામાં લગ્ન પ્રસંગના પ્રોગ્રામમાં મસ્તી કરવા બાબતે ચપ્પુથી હુમલો કરવામાં આવતા પોલીસ ફરિયાદ
વડોદરા: શહેરના આજવા રોડ ખાતે લગ્ન પ્રસંગમાં ગત મોડી રાત્રે ડાન્સ પ્રોગ્રામમાં મસ્તી કરવા બાબતે મિત્રો અંદરોઅંદર ઝઘડ્યા હતા. જેમાં યુવક ઉપર ચાકુ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી અંગેનો બનાવ પાણીગેટ પોલીસ મથકે નોંધાયો છે. શહેરના આજવા રોડ શિવ શક્તિ મહોલ્લામાં રહેતા રાજીવ ઉર્ફે ગણેશ કહાર વડોદરા મનપામાં સ્ટ્રીટ લાઈટમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે .તેણે ફરિયાદ નોંધાવી હતી કે, ગતરાત્રે ઘર નજીક લગ્ન પ્રસંગમાં નાચગાનનું આયોજન હોય જોવા માટે ગયા હતા. જ્યાં હું મારા મિત્ર શૈલેષ રાઠોડ સાથે મસ્તી કરી રહ્યો હતો. તે સમયે મહોલ્લામાં જ રહેતો કિરણ જગદીશ માળી અને તેનો ભાઈ અનિલ ઉર્ફે ગુલ્લુ જગદીશ માળીએ અપશબ્દો બોલી કહ્યું હતું કે તું મારા મિત્ર શૈલેષ રાઠોડ સાથે કેમ મસ્તી કરે છે. તેમ કહી ઝઘડો કર્યો હતો. દરમ્યાન શૈલેષ તથા અનિલે મને પકડી રાખી કિરણ માળીએ ચાકુ વડે મારી ઉપર હુમલો કર્યો હતો. જેમાં મને ખભા તથા કોણીના ભાગે ઇજાઓ પહોંચી છે. અને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ મારામારી ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.