ગુજરાત
News of Thursday, 6th May 2021

વડોદરામાં રાત્રી કર્ફ્યુ દરમ્યાન ચાલવા નીકળેલ યુવતીનો ફોન આંચકી ભાગવાનો પ્રયાસ કરનાર બાઈક સવાર શખ્સને સ્થાનિક લોકોએ ઝડપી પોલીસ હવાલે કર્યો

વડોદરા: શહેરમાં રાત્રી કર્ફ્યુ દરમિયાન ચાલવા નીકળેલી યુવતીનો મોબાઈલ ફોન ખૂંચવી નાસી છૂટવાનો પ્રયાસ કરતા બાઈક સવાર શખ્સને સ્થાનિકોએ પીછો કરી ઝડપી પાડી પોલીસના હવાલે કર્યો હતો. ઝડપાયેલા શખ્સે અગાઉ  શાકમાર્કેટમાં શાકભાજી ખરીદતી યુવતીના ગળામાંથી સોનાની ચેન ખેંચવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હોવાનું બહાર આવ્યું હતું .બનાવ સંદર્ભે હરણી પોલીસે આઇપીસી 379, 354 અને 511 મુજબનો ગુનો નોંધી આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરી હતી.

મૂળ નેપાળની રહેવાસી અને હાલમાં વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ પર રહેતી ૨૮ વર્ષીય યુવતી જાહેર ફંક્શનોમાં એન્કર તરીકેનું કાર્ય કરે છે. ગઈકાલે રાત્રે સાડા નવ વાગ્યે યુવતી ઘર નજીક ચાલવા નીકળી  મોબાઈલ ફોનમાં ગીત સાંભળતી હતી. તે સમયે બનીયાનસીટી  પાસે એક અજાણ્યો શખ્શ બાઈક ઉપર ઘસી આવ્યો હતો અને યુવતીએ હાથમાં પકડેલો મોબાઇલ ફોન ખૂંચવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેથી મોબાઇલ ફોન બચાવવા  યુવતીએ હાથ નીચો કરી દેતા અજાણ્યા શખ્સે છાતીના ભાગે હાથ મારી પછાડવાનો પ્રયાસ કરી બાઇક લઇને ફરાર થયો હતો . જો કે  યુવતી અને તેના ભાઈના મિત્રોએ હિંમત રાખી કાર તથા બાઇક વડે શખ્સનો પીછો કર્યો હતો . દરમિયાન સાંઈ શ્રદ્ધા  સોસાયટી પાસે ભાગવાનો પ્રયાસ કરતા શખ્સે બાઈકના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા તે જમીન પર પટકાતા પીછો કરી રહેલા યુવતી સહિતના મિત્રોએ તેને દબોચી લીધો હતો. અને પોલીસને જાણ કરી શખ્સને પોલીસના હવાલે કર્યો હતો.

(5:20 pm IST)