ગુજરાત
News of Thursday, 6th May 2021

સુરત: જીવિત વ્યક્તિનું બોગસ ડેથ સર્ટિફિકેટ બનાવી એલઆઇસી પાસેથી 32.93 લાખની નાણાં મેળવી ઠગાઈ આચરવાના કેસમાં અદાલતે મુખ્ય આરોપીના જામીનની અરજી નકારી

સુરત:શહેરમાંજીવંત હોવા છતાં બોગસ ડેથ સર્ટીફિકેટ મેળવીને એલઆઈસી પાસેથી રૃ.32.93 લાખની પાંચ પોલીસીના નાણાં મેળવી ઠગાઈ કેસમાં લાલગેટ પોલીસે જેલભેગા કરેલા આરોપીની જામીન મુક્તિની માંગને આજે એડીશ્નલ સેશન્સ કોર્ટે નકારી કાઢી છે.

જીવન વિમા નિગમમાં ફરજ બજાવતા ફરિયાદી પરેશ વિરેન્દ્ર ત્રિવેદીએ તા.7-4-21 ના રોજ આરોપી કમલ ઉર્ફે કમલેશ જયકિશન ચંદવાણી (રે.નેસ્ટ વૂડ અલથાણ) તથા તેના પુત્ર વરૃણ ચંદવાણી વિરુધ્ધ લાલગેટ પોલીસમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. ચંદવાણી પિતા-પુત્રએ કમલ ચંદવાણી જીવતા હોવા છતાં સિધ્ધિ ક્લીનીકના ડોક્ટર ડી.આર.સાગ પટેલ પાસેથી બોગસ ડેથ સર્ટીફિકેટ બનાવડાવ્યું હતુ. ત્યારબાદ રામનાથ ઘેલા સ્મશાન ભૂમિમાં લાશનું દહન કર્યાની ખોટી રજુઆત કરીને રસીદ મેળવ્યા બાદ  સુરત પાલિકામાંથી ડેથ સર્ટીફિકેટ મેળવ્યું હતુ. બોગસ સર્ટીફિકેટના આધારે પાંચ પોલીસી ડેથ ક્લેઈમ કરીને કુલ 32.93 લાખની વીમા કંપની સાથે ઠગાઈ કરી હતી.

કેસમાં જેલભેગા કરાયેલા આરોપી કમલ ચંદવાણીએ જામીન માંગતા સરકારપક્ષે  જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ અગાઉ સલાબતપુરા પોલીસમાં બે ગુના નોંધાયા છે. જે પૈકી એક ગુનામાં આરોપીએ હાઈકોર્ટમાં પણ બોગસ ડેથ સર્ટીફિકેટ રજુ કર્યું છે. જામીન આપવાથી ટ્રાયલમાં હાજર રહે કે નાસી ભાગી જવા ઉપરાંત સાક્ષી પુરાવા સાથે ચેડા કરે તેવી સંભાવના છે.જેથી કોર્ટે પ્રથમ દર્શનીય કેનો નિર્દેશ આપી જામીન નકારી કાઢયા હતા.

(5:34 pm IST)