ગુજરાત
News of Wednesday, 6th July 2022

ગીરમાં ઇતિહાસ રચાયો : એક સાથે ૧૮ સિંહોનો ફોટો ખેંચાયો!

૨૦૧૬માં ડો. શકીરા બેગમ દ્વારા લેવાયેલ ૧૬ સિંહો બાદ ૧૮ સિંહો એક ફ્રેમમાં કેદ કરી ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કરતા પ્રીતિ પંડયા : ૧૯૭૧માં સ્‍વ. સુલેમાનભાઇ પટેલે એક સાથે ૯ સિંહોનો ફોટો ક્‍લીક કર્યો ત્‍યારે એ ઘટનાને દુર્લભ ઘટના તરીકે દેશ-વિદેશમાં વખણાયેલ : ૧૯૯૦માં આઇએફએસ બી.પી.પતી દ્વારા : ૧૧ સિંહોની તસવીર કલર ફિલ્‍મ ઉપર લેવાયેલ : થોડા સમય પછી આ જ પરિવારના ૧૩ સિંહોની તસવીર ભૂષણ પંડયાએ ઝડપી હતી ત્‍યારબાદ ડો. સંદીપકુમાર (આઇએફએસ)એ ૨૦૧૧માં:૧૪ સિંહોના પ્રાઇડની સુંદર તસવીર લીધી હતી : ડો. ટી. કરૂપ્‍પાસામી (આઇએફએસ) દ્વારા પણ ૧૬ સિંહોને કેમેરામાં કંડારી લેવાયેલ

રાજકોટ : ૫ મી જૂન, ૨૦૨૨ની એ સુંદર સાંજ હતી, જે વિશ્વ પર્યાવરણ દિવસ પણ છે. મારી પત્‍ની પ્રીતિ અને હું એશિયાયી સિંહ (પેન્‍થેરા લીઓ લીઓ)ના અંતિમ ગઢ એવા ગીરના જંગલમાં હતા.

આ સાંજ ટૂંક સમયમાં જ અમારા સૌથી યાદગાર અનુભવોમાંથી એક બનવાની હતી!

આપને ખ્‍યાલ હશે જ કે સિંહોના ગ્રુપ/સમૂહને અંગ્રેજીમાં પ્રાઇડ કહેવામાં આવે છે. અમે જુદા જુદા સ્‍થળોએ બે સુંદર સિંહો અને રાયડી ખાતે બે સિંહણ જોયા. આ સાઈટિંગ્‍સથી ખુશ થઈને ડેડકડી તરફ આગળ વધ્‍યા. રસ્‍તામાં ગડકબારી વોટરહોલની આસપાસ પ્રવાસીઓ સાથેના કેટલાક જીપ્‍સી વાહનો હતાં. વોટર પોઈન્‍ટની નજીક, વળક્ષોની ઘટા હેઠળ, બે પુખ્‍ત સિંહણ અને લગભગ ત્રણ મહિનાની વયની પાંચ નાના બચ્‍ચાનો એક સમૂહ હતો.

અમે જીપ્‍સીઓથી થોડે દૂર રાહ જોતા હતા, જેથી અન્‍ય પ્રવાસીઓને ખલેલ પહોંચાડ્‍યા વિના સિંહો જોવા મળે. હંમેશા ચોમાસા પહેલાના દિવસોમાં હોય છે, તેવું ગરમ અને ભેજવાળું વાતાવરણ હતું. ખુશ-ખુશાલ પ્રવાસીઓ ધીમે ધીમે અન્‍ય સિંહો અથવા અલબત્ત, દીપડો જોવાની આશાએ સાસણ તરફ પરત જવા લાગ્‍યા!

અમે માતાઓ અને તેમના ટબૂકડાં બચ્‍ચાઓને જોવા માટે સારી જગ્‍યાએ જવાનું વિચારતા હતા. એટલામાં જ સિંહણો ઉભી થઈ અને અમારી તરફ ચાલવા લાગી. બચ્‍ચા પણ એક પછી એક તેમની પાછળ પાછળ લાઈનબદ્ધ રીતે ચાલ્‍યા. ખુબ જ સુંદર અને ભાવપૂર્ણ દ્રશ્‍ય હતું! 

અમારા નસીબમાં હજુ કેવું આヘર્ય  લખાયેલ હતું તેની લેશમાત્ર કલ્‍પના નહોતી!

સાતનું પ્રાઇડ રસ્‍તો ઓળંગીને ખુલ્લા મેદાનમાં બેઠું. તેની પાછળ ભંડારગાળા પાસેની ટેકરી દ્રશ્‍યમાન હતી. વન્‍યપ્રાણી વિભાગની અનુભવી ટ્રેકર ટીમે અમને જણાવ્‍યું કે જાંબુથાળા રોડ પર ચાર સિંહણ અને નવ બચ્‍ચાનું - કુલ તેર સિંહોનું બીજું મોટું પ્રાઇડ છે. બંને પ્રાઇડ થોડા દિવસોથી એક જ વિસ્‍તારમાં જોવા મળતાં હતા, પરંતુ હંમેશા એકબીજાથી દૂર રહેતા હતાં.

અમે બચ્‍ચાંને દૂધ પીતાં અને રમતાં જોયા. સાંજ ઢળી રહી હતી. ત્‍યાંજ....સૂકા પાંદડા કચરાવાનો અવાજ સંભળાયો! બીજું પ્રાઇડ ઝાડીઓમાંથી બહાર આવી, અમારા આヘર્ય વચ્‍ચે, નાનાં પ્રાઇડ સાથે જોડાયું! અમારા આનંદની કોઈ સીમા ન હતી. આટલાં વિશાળ પરિવારને એકત્રિત થયેલ  નિહાળવો એ એક અલૌકિક સ્‍વપ્ન જોયી રહ્યા હોય એવું જ હતું! વાહ રે કુદરત! વિશ્વ પર્યાવરણ દિને આવા દુર્લભ પ્રસંગનો સાક્ષાત્‍કાર કરાવ્‍યો!

પ્રકાશ ઝાંખો પડી રહ્યો હતો, પરંતુ જોર જોરથી ધબકતા હૃદયે, પ્રીતિએ જીવનભરની યાદોને કેમેરામાં કાયમ માટે કેદ કરી લીધી. ત્‍યારે પ્રીતિને લેશમાત્ર ખ્‍યાલ નહોતો કે ગીરના ઇતિહાસમાં એક  જ ફ્રેમમાં અઢાર સિંહોની તસવીર ઝડપવાનો નવો રેકોર્ડ બની રહ્યો હતો!

૧૯૭૧ માં બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ ફોટોગ્રાફીનો યુગ હતો, ત્‍યારે સ્‍વર્ગસ્‍થ શ્રી સુલેમાનભાઈ પટેલે એક ફ્રેમમાં નવ સિંહો નો ફોટો લીધો હતો. તે સમયે આ તસવીર ગીર ના સિંહોના ઇતિહાસની દુર્લભ ઘટના તરીકે દેશ-વિદેશમાં વખણાયેલ હતી. ત્‍યારબાદ ૧૯૯૦ ના દાયકાના અંતમાં શ્રી બી. પી. પતિ, IFS દ્વારા અગિયાર સિંહોની તસવીર કલર ફિલ્‍મ પર લેવાયેલ. થોડા સમય પછી મને એજ પરિવારના તેર સિંહોની તસવીર લેવાનું સૌભાગ્‍ય પ્રાપ્ત થયેલ. ત્‍યાર બાદ ડૉ. સંદીપ કુમાર, IFS દ્વારા ડિસેમ્‍બર ૨૦૧૧માં ચૌદ સિંહોના પ્રાઇડની સુંદર તસવીર લેવાયેલ હતી. છેલ્લે ડૉ. ટી. કરૂપ્‍પાસામી, IFS, અને ડો. સકકીરા બેગમ દ્વારા ૨૦૧૬ માં સોળ સિંહોની ઝડપેલી. હવે પ્રીતિ પંડ્‍યાએ અઢાર સિંહોને એક ફ્રેમમાં કેદ કરીને એશિયાયી/ભારતીય/ગીરના સિંહના ઈતિહાસમાં પોતાનું નામ અંકિત કર્યું છે!

હું નાનપણથી ગીરની મુલાકાત લેતો આવ્‍યો છું, પરંતુ લગભગ છ દાયકા દરમ્‍યાન મારી સેંકડો મુલાકાતોમાં કયારેય વીસ સિંહો એકસાથે જોયા નથી! કેટલું અદ્દભૂત છે આ ગીર! અલબત્ત પ્રકળતિ માતાનાં આશીર્વાદ વિના તે શકય ન જ થાય.

પ્રીતિ આ યાદગાર તસ્‍વીરો અને વિડિયો ગુજરાત રાજ્‍ય વન વિભાગ, જંગલ અને વન્‍યપ્રાણીઓની સુરક્ષા માટે દિવસ-રાત જહેમત ઉઠાવતા સમગ્ર વન વિભાગના ફીલ્‍ડ સ્‍ટાફ, વન્‍ય પ્રાણી વિભાગ, સાસણ-ગીર અને તેની સાવજ જેવા હૃદય ધરાવતી ટ્રેકર ટીમને સહર્ષ સમર્પિત કરે છે.

રેકોર્ડ્‍સ અને આંકડાઓ બાજુએ રાખીયે તો આપણા બધા માટે આ ગર્વની ઘડી છે. બાર દાયકા પહેલા જૂનાગઢના નવાબ રસુલખાનજી ત્રીજા દ્વારા શરૂ કરાયેલા સંરક્ષણના પ્રયાસો સકારાત્‍મક પરિણામો દર્શાવી રહ્યા છે. વન્‍ય પ્રાણી વિભાગ, સ્‍થાનિક લોકો, વૈજ્ઞાનિકો, રાજ્‍ય અને કેન્‍દ્ર સરકારો, મીડિયા અને બિન સરકારી સંસ્‍થાઓ, સહુએ આ સંરક્ષણ પ્રયાસોને આગળ વધારવા માટે મહત્‍વનું યોગદાન આપ્‍યું છે. જૂન ૨૦૨૦ ના પૂનમ અવલોકન પરિણામો અનુસાર સવાસો વર્ષો પહેલાં સિંહોની વસ્‍તી માત્ર ૬૦×૧૦૦ હતી, તે વધીને ૬૭૪ થઈ છે અને એશિયાટિક લાયન લેન્‍ડસ્‍કેપ (ALL) નો વિસ્‍તાર ૩૦,૦૦૦ ચોરસ કિલોમીટર થયો છે.

જો કે, વસ્‍તી અને હોમ રેન્‍જ નો વધારો મેનેજમેન્‍ટ માટે નવા પડકાર ઉભા કરે છે. ખાસ કરીને ગ્રેટર ગીર (સંરક્ષિત વિસ્‍તારોની બહારનો વિસ્‍તાર) માં પરિસ્‍થિતિ મુશ્‍કેલ થતી જાય છે. અત્‍યાર સુધી સારી કામગીરી થયેલ છે, પરંતુ હજુ ઘણું બધું કામ કરવાનું બાકી છે. ગીચ માનવ વસ્‍તી નજીક સિંહ અને દીપડા જેવા ટોચના પરભક્ષીઓ હોવાને લીધે ગંભીર ઘર્ષણ થવાની શકયતાઓ સતત રહે છે.

જંગલ આヘર્યોથી ભરપૂર છે. અમો આવનારા અનેક વર્ષો સુધી આ અસાધારણ અનુભૂતિ યાદ કરતા રહેશું!

જય ગીર! જય કેસરી! (૨૧.૩૪)

: આલેખન :

ભૂષણ પંડ્‍યા

મેમ્‍બર, સ્‍ટેટ બોર્ડ

ફોર વાઈલ્‍ડ લાઈફ

મો. +૯૧ ૯૪૨૮૨ ૦૩૧૧૭

 

(3:28 pm IST)