ગુજરાત
News of Friday, 6th August 2021

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને પ્રાથમિક સ્કૂલો દિવાળી વેકેશન પછી ખોલવા માંગ

2019માં નક્કી કરેલી ફીને યથાવત રાખવા વાલી મંડળે કરી રજૂઆત: શિક્ષણમંત્રીને લખ્યો પત્ર

અમદાવાદ :  રાજ્યમાં ત્રીજી લહેરની સંભાવનાઓને ધ્યાનમાં લઇને સરકાર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે તેવા સમયે પ્રાથમિક સ્કૂલો દિવાળી વેકેશન પછી ખોલવામાં આવે તે માટે વાલી મંડળ દ્વારા શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. શાળા મોડી ખોલવા ઉપરાંત ફી કમિટી દ્વારા શાળાઓની 2019માં નક્કી કરેલી ફીને યથાવત રાખી વાલીઓને 50 ટકા ફી માફી આપવામાં આવે તેવી માગણી પણ કરવામાં આવી છે.

રાજ્યમાં હાલમાં કોરોનાના કારણે પ્રાથમિક સ્કૂલોમાં ઓનલાઈન શિક્ષણ જ ચાલી રહ્યું છે. આગામી દિવસોમાં સરકાર દ્વારા પ્રાથમિક સ્કૂલોમાં અભ્યાસ શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી છે. જોકે, ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા પ્રાથમિક સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવામાં ઉતાવળ કરવામાં ન આવે તે માટે રાજ્યના શિક્ષણમંત્રીને રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.

ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે, નર્સરીથી ધોરણ-8 સુધીની તમામ શાળાઓ દિવાળીના સત્ર બાદ ખોલવી જોઈએ તેવી અમારી માગણી છે. ત્રીજી લહેર જોતા બાળકોના સ્વાસ્થ્યની સંપુર્ણ જવાબદારી સાથે સરકારે સ્કૂલો ખોલવા માટે આદેશ કરવો જોઈએ. હાલમાં પ્રાથમિક વિભાગની સ્કૂલો ખોલવા માટે ઉતાવળ ન કરવી જોઈએ.

ઉપરાંત ફી કમિટી ( એફ.આર.સી. ) દ્વારા શાળાઓની 2019માં જે ફી નક્કી કરવામાં આવી હતી તે ફીને હાલમાં યથાવત રાખવામાં આવે અને તેના આધારે જ વાલીઓને 50 ટકા ફી માફીનો લાભ આપવામાં આવે તેવી પણ વાલી મંડળ દ્વારા માગણી કરવામાં આવી છે. આમ, ફી મુદ્દે અને સ્કૂલો ખોલવા મુદ્દે વાલી મંડળે શિક્ષણમંત્રીને પત્ર લખ્યો છે.

(11:59 pm IST)