ગુજરાત
News of Saturday, 6th August 2022

મધરાત્રે વડોદરા સેન્ટ્રલ જેલમાં એક મગર આવી ચડ્યો

વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરતાં જ મગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો

વડોદરામાં વિશ્વામિત્રીમાં રહેતા મગર ગમે ત્યાં શહેરની મુલાકાતે આવી ચડે છે. મગર રહેણાંક વિસ્તારમાં આવી ચડે તો શહેરીજનો માટે પણ હવે કંઇ નવી વાત રહી નથી. ખાસ કરીને વરસાદની સીઝનમાં વિશ્વામિત્રી નદીમાં નવા નીર આવતા મગર બહાર આવતા હોય છે. આ મગર બહાર આવતા જ વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ થતાં જ તરત જ મગર નિકળ્યો હોય ત્યાં પહોંચી જાય છે અને મગરને સહીસલામત બહાર કાઢવામાં આવે છે.

હાલ રાજ્યમાં 5 દિવસ વરસાદની આગાહી છે ત્યારે ગઇ કાલે વડોદરા શહેરનાં અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો.જ્યારે નિચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાયા હતા. ત્યારે વિશ્વામિત્રી નદીમાં પણ મહંદઅંશે નવા નીર આવ્યા છે. ત્યારે ગઇ કાલે રાત્રે વડોદરા સેન્ટ્રલ જેલમાં એક મગર આવી ચડ્યો હતો. વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરતાં જ મગરનું રેસ્ક્યુ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ ગઇ કાલે 5 તારીખે રાત્રી ના બે વાગ્યાની આસપાસ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડન્ટ અરવિંદભાઈ પવાર પર સેન્ટ્રલ જેલમાંથી ફોન આવ્યો હતો કે વડોદરા સેન્ટ્રલ જેલમાં એક મગર આવી ચડ્યો છે. આ ફોન આવતાની સાથે જ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર કિરણ સપકાલ , જીગ્નેશભાઇ, કૌશિકભાઈ અને વડોદરા વન વિભાગના અધિકારી નીતિનભાઈ પટેલને લઈને ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં જોતા એક અઢી ફુટનો મગર દીવાલ પાસે જોવાં મળ્યો હતો. આ મગરને અડધો કલાકની ભારે જેહમત બાદ સહી સલામત રીતે રેસ્ક્યુ કરીને વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

(9:37 pm IST)