ગુજરાત
News of Saturday, 6th August 2022

જાતીય સતામણી વિશે મહિલાઓ જાગૃત થાય તે હેથી બિરસા મુંડા નર્સિંગ કોલેજ નવા વાઘપુરા ખાતે માર્ગદર્શન અંગે યોજયો સેમિનાર

--આજે દરેક મહિલા આગળ વધી રહી છે અને દેશના સર્વાંગી વિકાસમાં સિંહફાળો આપી રહી છે, જેનું ઉત્તમ ઉદાહરણ આપણા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ છે : સ્થાનિક ફરિયાદ સમિતિ નાંદોદના અઘ્યક્ષ ભારતીબેન તડવી:તમામ ક્ષેત્રોમાં મહિલાઓ પ્રગતિ કરી રહી છે, માત્ર પોતાની પ્રતિભાને ઓળખવાની જરૂર છે : મહિલા અને બાળ વિકાસ અધિકારી હસીનાબેન મન્સુરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવાઈ રહેલા ‘નારી વંદન ઉત્સવ’ ને અનુલક્ષીને નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા નવા વાઘપુરા સ્થિત બિરસા મુંડા કોલેજ ઓફ નર્સિંગ ખાતે ‘વિશ્વ સ્તનપાન સપ્તાહ’ તેમજ કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. મહિલાઓને પોતાના હકો અને અધિકારો, કાયદાલક્ષી બાબતો તેમજ મહિલાઓને લગતી યોજનાઓથી વાકેફ કરવાના હેતુ સાથે સ્થાનિક ફરિયાદ સમિતિના અઘ્યક્ષ ભારતીબેન તડવીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો.

        આ પ્રસંગે ભારતીબેન તડવીએ ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને સંબોધન કરતા જણાવ્યું કે, મહિલાઓને કામના સ્થળે સુરક્ષા અને સારુ વાતાવરણ મળે તે ખુબ જરૂરી છે. "જાતીય સતામણી અટકાયત અધિનિયમ- ૨૦૧૩" કાયદાની દ્રષ્ટિએ લોકોમાં જનજાગૃતિ લાવવાનો સરકારશ્રીનો આ ખુબ સરાહનીય પ્રયાસ છે. તેઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત દરેક વિદ્યાર્થીનીઓને કાયદાઓથી વાકેફ કરાવી માર્ગદર્શન અને પ્રોત્સાહન આપી અન્યને પણ જાગૃત કરાવવા અંગે આહ્વાન કર્યુ હતુ. જેથી દેશમાં રહેતી તમામ મહિલાઓ સુરક્ષિત રહે અને આગળ વધી દેશનું નામ રોશન કરે.

       મહિલાઓના સંઘર્ષથી સફળતા સુધીની ચર્ચા કરતા તેઓએ જણાવ્યું કે, આજે દરેક મહિલા આગળ વધી રહી છે અને દેશના સર્વાંગી વિકાસમાં સિંહફાળો આપી રહી છે, જેનું ઉત્તમ ઉદાહરણ આપણા રાષ્ટ્રપતિ સુશ્રી દ્રોપદી મુર્મુ છે. ત્યારે આપણે પણ પુરુષો સાથે કદમ મિલાવીને આગળ વધી પોતાના પરિવાર સાથે દેશના સર્વાંગી વિકાસમાં યોગદાન આપી ખભેખબા મિલાવીને પુરુષોની હરોળમાં આવી છે.

       જિલ્લાના મહિલા અને બાળ વિકાસ અધિકારી હસીનાબેન મન્સુરીએ પણ આ પ્રસંગે જણાવ્યું કે, આજે તમામ ક્ષેત્રોમાં મહિલાઓ પ્રગતિ કરી રહી છે માત્ર પોતાની પ્રતિભાને ઓળખવાની જરૂર છે. આજે મહિલાઓને સારી નોકરીની તકો મળી રહી છે અને પોતાની સાથે પોતાના પરિવારની જવાબદારીઓ પણ પોતાના ખભે લેતી થઈ છે. સરકાર દ્વારા પણ મહિલા ઓની સુરક્ષા માટે અનેક કાયદાઓ અમલમાં છે જેનાથી માહિતગાર તથા જાગૃત થવાની જરૂરી છે.

ઉક્ત કાર્યક્રમમાં કામના સ્થળે થતી મહિલાઓની જાતીય સતામણી અંગે ફિલ્મ નિદર્શન કરી કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ વિદ્યાર્થીનીઓને જાગૃત કરવામાં આવી હતી. તદ્ઉપરાંત કાર્યક્રમમાં ઉપસ્થિત અન્ય મહાનુભાવો એ પણ મહિલાઓની સુરક્ષાને લઈને માર્ગદર્શન પુરું પાડયું હતું. આ પ્રસંગે કાર્યક્રમમાં બિરસા મુંડા કોલેજ ઓફ નર્સિંગના આચાર્ય રોશનીબેન ગાવિત, નાંદોદ તાલુકા કાનુની સેવા સમિતિના વકીલ ભામીનીબેન રામી, દિપીકાબેન ચૌધરી, રાજેન્દ્રભાઈ ગોહિલ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.

(10:57 pm IST)