ગુજરાત
News of Saturday, 6th August 2022

વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસના 58 ધૂરંધરોની યાદી તૈયાર !: હાઈકમાન્ડની લીલીઝંડી મળતા તુરંત જ થશે ધડાકો

ગુજરાત આપ પાર્ટીએ રાજ્યમાં ચૂંટણી જાહેર થાય તે પહેલા ઉમેદવારો જાહેર કરી નવો ચીલો ચીતરતા ભાજપ-કોંગ્રેસ ઉપર દબાણ !

ગાંધીનગર તા.06 : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીએ પોતાના 10 મુરતિયાઓની યાદી જાહેર કરી દેતા હવે ભાજપ-કોંગ્રેસ ઉપર દબાણ આવ્યું છે અને ગુજરાતમાં ધારાસભાની આગામી ચૂંટણી પૂર્વે રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે હવે કોંગ્રેસે પણ પ8 ઉમેદવારોની યાદી જાહેર કરવા તૈયારી શરૂ કરી છે.

એક તરફ ભાજપ અત્યારથી માઈક્રો પ્લાનિંગ કરી લોકો સુધી પહોંચવાની રણનીતિ બનાવી રહ્યું છે.

ગુજરાત આપ પાર્ટીએ રાજ્યમાં ચૂંટણી જાહેર થયા તે પહેલા ઉમેદવારો જાહેર કરી નવો ચીલો ચીતર્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પણ 'આપ'ના રસ્તે જઈ રહી હોય તેવુ લાગી રહ્યું છે.
ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને લઇને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ગમે તે ઘડીએ કોંગ્રેસ ઘારાસભ્યના મુરતીયાની પ્રથમ યાદી જાહેર થઇ શકે છે. કોંગ્રેસની 58 ઉમેદવારોની યાદી તૈયાર થઈ ચૂકી છે. ઉમેદવારનું લિસ્ટ પણ હાઇકમાન્ડને મોકલી દેવામાં આવ્યું છે. મહત્વનું છે કે છેલ્લી 3 ટર્મથી હારતી બેઠકના ઉમેદવાર નક્કી કરી કોંગ્રેસ હારેલી સીટને કબજે કરવાની રણનીતિ બનાવી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે. જો કોંગ્રેસ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરે તો પ્રથમ વાર બનશે કે વિધાનસભા ચૂંટણીમાં પ્રથમવાર કોંગ્રેસ આટલી જલ્દી લિસ્ટ જાહેર કરશે. નહીં તો આમ કોંગ્રેસ ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ જ ઉમેદવારોની જાહેરાત કરતું હોય છે. ત્યારે જોવાનું એ રહ્યું કે કોંગ્રેસ આ નવા દાવથી કાઠું કાઢી શકશે કે નહીં?
રાજકિય પંડિતો માની રહ્યા છે કે, હારેલી સીટ પર જો કોંગ્રેસ ઉમેદવાર અત્યારથી જાહેર કરી દે તો ફિફ્ટી ફિફ્ટી ફાયદો અને નુકસાન થઈ શકે છે કારણ કે ઉમેદવારોને લોકો સુધી પહોંચવાનો પૂરતો સમય મળશે તો બીજી તરફ આંતરિક વિખવાદનો ઉકળતો ચરુ બહાર આવતા જ ગમે ત્યારે કોંગ્રેસના પાયા ડગમગાવી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ગુજરાત કોંગ્રેસે પાલડી સ્થિત પ્રદેશ કાર્યાલયે મહત્વની બેઠક બોલાવી હતી. છતીસગઢ સરકારના મંત્રી એવા ગુજરાતના નિરીક્ષક ટી.એસ.સિંહ દેવ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મિલીંદ દેવરાની હાજરીમાં એઆઈસીસીના લોકસભા પ્રભારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ગાયોના મોત, લઠાકાંડ, મોંઘવારી સહિતના મુદે આગામી દિવસોમાં આંદોલનના કાર્યક્રમો ઘડવા, ચાર ઝોનમાં યાત્રા શરૂ કરાશે. આ ઉપરાંત ચૂંટણી ઢંઢેરો શું હોવો જોઈએ તે માટે બે હજાર બેઠકોનું આયોજન કરવાનું નકકી કરાયું છે.

(7:47 pm IST)