ગુજરાત
News of Thursday, 6th October 2022

દિવાળી પહેલા કોંગ્રેસ ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરશે:સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં શોર્ટલિસ્ટ કરવાનું શરૂ

સ્ક્રીનીંગ કમિટીના અધ્યક્ષ કેરળના ધારાસભ્ય રમેશ ચેન્નીથલા બે દિવસ અમદાવાદની મુલાકાતે: બેઠકમાં ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને ટોચના નેતાઓ હાજર રહેશે

અમદાવાદ :ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે  રાજકીય પક્ષોએ ચુંટણીની તાડમાર તૈયારીમાં લાગી ગઇ છે.  કોંગ્રેસ ઉમેદવારની પસંદગીને લઈ કોંગ્રેસમાં તૈયારી ચાલી રહી છે. કોંગ્રેસ સ્ક્રિનિંગ કમિટીની બેઠકમાં ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ટૂંક સમયમાં દિવાળી પહેલા કોંગ્રેસ ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરશે.

 એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે  ત્યારે બીજી તરફ કોંગ્રેસ પોતાના ઉમેદવારની પસંદગીને લઈ આખરી ઓપ આપી રહી છે. આ દરમિયાન સ્ક્રીનીંગ કમિટીના અધ્યક્ષ કેરળના ધારાસભ્ય રમેશ ચેન્નીથલા બે દિવસ અમદાવાદની મુલાકાતે છે. આ બે દિવસદરમિયાન સ્ક્રિનિંગ કમિટીની બેઠક યોજાશે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્યો અને ટોચના નેતાઓ હાજર રહેશે જેમાં કેટલાક માપદંડો શામેલ છે. કોંગ્રેસ કોઈ જોખમ લેવા માંગતી નથી, કારણ કે ચૂંટણી પહેલા ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. આ દરમિયાન ટૂંક સમયમાં કોંગ્રેસના ઉમેદવારની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે. દિવાળી પહેલા કોંગ્રેસના ઉમેદવારની પ્રથમ યાદી બહાર પડી શકે છે.

ગુજરાત કોંગ્રેસ દ્વારા 182 બેઠકોની ચૂંટણી માટે 1000 થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર મોટાભાગના વર્તમાન ધારાસભ્યોને રિપીટ કરવામાં આવશે. માત્ર થોડા જ ધારાસભ્યોને બદલવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા ઉમેદવારી માટે અરજી કરવા માટે યોગ્ય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. છેલ્લી ચૂંટણી દરમિયાન, ગુજરાત કોંગ્રેસને 182 બેઠકો માટે 1200 થી વધુ અરજીઓ મળી હતી. જો કે આ વર્ષે કોંગ્રેસ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે કારણ કે ઘણા ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જોડાઇ ચૂક્યા છે. વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી અને હાલમાં ઘણા ધારાસભ્યોએ રાજીનામું આપીને ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસની સંખ્યા ઘટીને 62 થઈ ગઈ છે.

(11:13 pm IST)