ગુજરાત
News of Monday, 6th December 2021

ગુજરાત બાર કાઉન્સીલનો નિર્ણય:130 ધારાશાસ્ત્રીઓને મળવાપાત્ર મૃત્યુ સહાય પેટે ત્રણ કરોડ રૂપિયા ચુકવાશે

72 જેટલા ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય પેટે બાર લાખ ચૂકવવાનો નિર્ણય કરાયો

અમદાવાદ : ગુજરાત બાર કાઉન્સીલે 130 ધારાશાસ્ત્રીઓને મળવાપાત્ર મૃત્યુ સહાય પેટે ત્રણ કરોડ રૂપિયા ચુકવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત 72 જેટલા ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય પેટે બાર લાખ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. સરવાળે છેલ્લા બે નાણાંકીય વર્ષમાં મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીઓ તથા તેમના વારસદારોને રૂપિયા વીસ કરોડ ઉપરાંતની મૃત્યુ સહાય તેમજ માંદગી સહાય ચુકવવામાં આવી છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની તાજેતરમાં મળેલી એડમીનીસ્ટ્રેટીવ કમિટીની બેઠકમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન કિશોરકુમાર આર. ત્રિવેદી, વાઇસ-ચેરમેન કરણસિંહ બી. વાઘેલા, એકઝીક્યુટીવ કમિટિના ચેરમેન મનોજ એમ. અનડકટ, એડમીનીસ્ટ્રેટીવ કમિટીના સભ્ય અનિલ સી.કેલ્લા, રમેશચંદ્ર જી. શાહ હાજર રહ્યા હતા. આ બેઠકમાં આશરે છેલ્લા ચાર માસમાં મૃત્યુ પામેલા ગુજરાતના 199 ધારાશાસ્ત્રીઓની અરજી હાથ ધરવામાં આવી હતી. જેમાં ગુજરાતના 130 જેટલા ધારાશાસ્ત્રીઓ કે જેઓ ગુજરાત એડવોકેટ વેલ્ફર ફંડના સભ્ય હતા અને નિયમિત વેલ્ફર ફંડની ફી ભરતા હતા. તેમના વારસદારો દ્વારા જ મૃત્યુ સહાયની અરજી કરવામાં આવેલી હતી. એટલું જ નહીં પરંતુ તેમની મૃત્યુ સહાયની અરજીમાં તમામ વિગતોની પુર્તતા કરી હોવાથી 130 ધારાશાસ્ત્રીઓને મળવાપાત્ર મૃત્યુ સહાય પ્રમાણે કુલે રૂપિયા 3, 00, 00, 000 ( ત્રણ કરોડ રૂપિયા ) ચુકવવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત બાર કાઉન્સિલના ઇન્ચાર્જ સેક્રેટરી પી.એમ. પરમારે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રોલ પર નોંધાયેલા 2550 ઉપરાંતના ધારાશાસ્ત્રીઓને અત્યાર સુધી અઠ્ઠાવન કરોડ ઉપરાંતની મૃત્યુ સહાય ચુકવવામાં આવી હતી.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની માંદગી સહાય કમિટિની મીટીંગ પણ મળી હતી. તેમાં પણ સમગ્ર ગુજરાતના તાલુકા અને જીલ્લા અદાલતોમાંથી આવેલ કોરોના માંદગી સહિતની માંદગી સહાયની અરજીઓ હાથ પર લેવામાં આવેલી હતી. જેમાં 72 જેટલા ધારાશાસ્ત્રીઓને માંદગી સહાય પેટે કુ્લે રૂપિયા બાર લાખ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજરાત બાર કાઉન્સિલ દ્વારા ગુજરાત એડવોકેટ વેલ્ફર ફંડ એકટ હેઠળ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રોલ પર નોંધાયેલા ધારાશાસ્ત્રીઓ પૈકી જે ધારાશાસ્ત્રીઓ ગુજરાત એડવોકેટ વેલ્ફર ફંડના સભ્ય બનેલ છે અને નિયમિત રીન્યુઅલ ફી ભરે છે તેવા મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીઓના વારસદારોને હાલમાં રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર મૃત્યુ સહાય ચુકવવામાં આવે છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ધ્વારા છેલ્લા બે નાણાંકીય વર્ષમાં મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીઓના વારસદારોને રૂપિયા વીસ કરોડ ઉપરાંતની મૃત્યુ સહાય તેમજ માંદગી સહાય ચુકવવામાં આવી છે.

(9:15 pm IST)