ગુજરાત
News of Monday, 6th December 2021

રાજપીપળામાં પોલીસ પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને APH ગ્રાઉન્ડમાંથી બહાર કાઢતા સાંસદના નિવાસસ્થાને રજુઆત માટે દોડ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલમાં પોલીસ ભરતીની પરિક્ષા માટે નર્મદા જિલ્લામાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે જીતનગર પોલીસ હેડ ક્વાર્ટરનું ગ્રાઉન્ડ પણ ખુલ્લું મૂકી આપ્યું છે ત્યારે બીજી બાજુ અંબુભાઈ પુરાણી કોલેજ ગ્રાઉન્ડ પર પોલીસ ભરતી માટેની તૈયારીઓ કરતા 1500 જેવા યુવક, યુવતીઓ સોમવારે સવારે રોજની જેમ આ ગ્રાઉન્ડ ઉપર ગયા ત્યાં પાર્કિંગ બાબતે કોઈ યુવતીને સ્ટાફ સાથે માથાકૂટ થતા અકડાયેલા મેનેજમેન્ટએ ત્યાં પોલીસ ભરતી માટે તૈયારી કરવા આવતા તમામ યુવક યુવતીઓને ગેટની બહાર કાઢી મુક્યા હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ આ આખું ટોળું આ બાબતે સાંસદ મનસુખભાઇ વસાવાના નિવાસસ્થાને રજુઆત કરવા પહોંચી ગયું હતું જોકે સાંસદ ઘરે હાજર ન મળતા તેમના ધર્મપત્નીને આ બાબતે રજુઆત કરાઈ હતી.

આ બાબતે કોલેજના પ્રિન્સિપાલ કૌશિકભાઈ ગોહિલને પૂછતાં તેમણે જણાવ્યું કે આ અમારી ખાનગી સંસ્થા છે તેમ છતાં અમે પોલીસ ભરતી માટે આવતા યુવક યુવતીને અહીંયા તેમની પ્રેક્ટિસ માટે રોકતા ન હતા પરંતુ સંસ્થાના પાર્કિંગ સહિતના નિયમોનું પાલન ન થતા  અને મેદાનની આસપાસ મળ,મૂત્ર સહિતની ગંદકી થતા અમે આ તમામને બહાર કાઢી અહીંયા નહિ આવવા જણાવ્યું હતું.નિયમ મુજબ તો તમામે કોવિડ ટેસ્ટના સર્ટી સાથે આવવું પડે અને અમારી સંસ્થાના નિયમોનું પાલન કરવું પડે.

(10:59 pm IST)