ગુજરાત
News of Tuesday, 6th December 2022

સુરતમાં પીએસઆઇ શીતલ ચૌધરીનું માનવતાવાદી કાર્યઃ ફરજની સાથોસાથ ઠંડીથી ધ્રુજતા લોકોને ચાદરની હુંફ આપી

જુદા-જુદા વિસતારમાં સી ટીમની આગેવાનીમાં સેવાકાર્ય

સુરતઃ સુરતમાં પીએસઆઇ શીતલ ચૌધરીએ માનવતાવાદી કાર્ય કરતા લોકો તેને બિરદાવી રહ્યા છે.

હાલ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ ઠંડીમાં સુરતની મહિલા પોલીસે ગરીબોને હૂંફની ચાદર ઓઢાડી છે. સુરતના ગોડાદરા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીએસઆઇ શીતલ ચૌધરી હાલ સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેની જવાબદારી સાથે લોક સેવામાં પણ હંમેશા આગળ રહે છે. છેલ્લા કેટલા દિવસથી શી ટીમના આ મહિલા પોલીસ તેમના સાથી કર્મી દમયંતીબેન સાથે મળી શહેરના રસ્તા ઉપર સુતા અને ઠંડીમાં ઢરતાં લોકોને ધાબળા ઓઢાળી માનવતા મહેકાવી આવી રહ્યા છે.

વાત કરતા શીતલ ચૌધરીએ જણાવ્યું હતું કે એક દિવસ રાતના તેઓ ફરજ પર હતા અને તેઓને રાત્રિના વર્દી મળતા રાત્રે બે વાગ્યે તેઓ હોસ્પિટલ જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન ખૂબ જ ઠંડી હતી પરંતુ તેમની પાસે સ્વેટર કે સાલ જેવી કોઈ જ વસ્તુ ન હોવાથી તેમને રોડ પર સાલ કે ચાદર વગર સૂતા ગરીબોની તકલીફનો અહેસાસ થયો તેમને ઠંડીના લાગે તેવું કઈક કરવા માટે તેમણે આ કાર્યની શરૂઆત કરી. નાઈટ ડ્યુટી દરમિયાન છેલ્લા કેટલાક દિવસથી તેઓ રોજના 20 થી 30 ધાબળા લઈને નીકળે છે અને જ્યાં પણ આ પ્રકારના લોકો રસ્તા પર સુતા દેખાય તેઓને ધાબળા ઓઢાડે છે. આ કાર્ય કરવા માટે આ મહિલા પોલીસ કર્મીઓ કોઈની પણ મદદ લેતા નથી.આ બધી સેવા તેઓ સ્વખર્ચે કરે છે

સુરત પોલીસ ગુનેગારોને સબક શીખવાડવાની સાથે તેમજ ગુનાખોરીને કાબુમાં રાખવાની સાથે ઘણા એવા માનવતાના ઉદાહરણો પુરા પાડીને લોકોના દિલ જીતી લે છે.ખાસ કરીને સુરતના આ મહિલા પોલીસ જે હરહંમેશ અનાથ બાળકો હોઈ કે પાછું ભૂખ્યા ગરીબો તેમની સેવા કરતા નજરે પડે છે. ત્યારે હવે તેઓએ ફરી તેમના સેવા કાર્ય થકી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ઉલ્લેખનીય છે કે પીએસઆઇ શીતલ ચૌધરી પોતાની ફરજની સાથે સાથે ગરીબોની સેવા તેમજ અનાથ બાળકીઓને પણ પગભર કરવા માટે અવનવા કાર્ય કરતા રહે છે.

(5:25 pm IST)