ગુજરાત
News of Wednesday, 7th April 2021

સૌરાષ્‍ટ્ર-કચ્‍છના 8 શહેરોમાં મહતતમ તાપમાન 40 ડિગ્રીને પારઃ 2 દિવસ હિટવેવની આગાહીઃ બપોરે અંગ દઝાડતો તાપ

અમદાવાદઃ ગુજરાતમાં માર્ચ મહિનાના છેલ્લા સપ્તાહથી ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે. છેલ્લા એક સપ્તાહથી રાજ્યના મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. મંગળવારે ગુજરાતના 8 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. હવામાન વિભાગે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં બે દિવસ િહટવેવ ની આગાહી કરી છે. રાજ્યમાં સૌથી વધુ સૃુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી, અમરેલીમાં 41.5 ડિગ્રી, રાજકોટમાં 41.5 ડિગ્રી, ગાંધીનગરમાં 41 ડિગ્રી, અમદાવાદમાં 40.9 ડિગ્રી, ડીસામાં 40.1 ડિગ્રી, વડોદરામાં 40.7 ડિગ્રી અને કંડલા એરપોર્ટનું મહત્તમ તાપમાન 40.8 ડિગ્રી નોધાયું હતુ.

બીજી તરફ હજુ આગામી શનિવાર અને રવિવાર બે દિવસ પ્ોરબંદર અને ગીર સોમનાથમાં હિટ વેવની સ્થિતિ રહેશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાનનો પારો આજે 40.9 ડિગ્રી નોધાયો છે, જ્યારે લઘુત્તમ તાપમાન 24.7 ડિગ્રી નોધાયુ છે. શહેરમાં સવારથી જ ગરમીની શરૂઆત થઈ જાય છે. બપોરના સમયે તો ચામડી દઝાડતી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. હજુ આગામી દિવસોમાં અમદાવાદ શહેરનું તાપમાન ઉચકાશે તેવુ હવામાન નિષ્ણાંતો જણાવી રહ્યાં છે. બીજી તરફ મોડી રાત્રે ઠંડીનો અહેસાસ પણ થાય છે. રાત્રે ઠંડો પવન ફુંકાતા લોકો રાહત અનુભવી રહ્યાં છે.

આગામી 48 કલાક આકરા સાબિત થશે

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ રાજ્યમાં આગામી 48 કલાક આકરા સાબિત થશે અને ગરમીનુ જોર વધશે તો આ તરફ અમદાવાદમાં વધી રહેલા તાપમાનને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે તો ભાવનગર, રાજકોટ સહિત બનાસકાંઠામાં હિટવેવની પણ આગાહી કરવામાં આવી છે. તંત્રએ નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે સાથે જ જો ઘરની બહાર નીકળવાનું થાય તો પૂરતી તકેદારી રાખવામાં આવે.

(5:20 pm IST)