ગુજરાત
News of Friday, 7th May 2021

સાહેબ, પ્રજા હવે તમારા પર થૂંકે છેઃ હજુ કેટલા મરવા દેવાના છે

પાટણથી ભાજપના સાંસદ ભરતસિંહ ડાભી સાથેની વાતચીતનો ઓડિયો કલીપ વાયરલઃ ભાજપના જ મહિલા કાર્યકરે જિલ્લામાં કોરોનાની સ્થિતિને લઈ ગુસ્સો વ્યકત કર્યો

અમદાવાદ,તા. ૭: પાટણના ભાજપ મહિલા કાર્યકર્તાની ઓડિયો કલીપ વાયરલ થઈ છે. સાંસદ ભરતસિંહ ડાભી સાથેની ઓડિયો કલીપમાં મહિલા કાર્યકરે કોરોનાની સ્થિતિને લઈ ગુસ્સો વ્યકત કર્યો છે. પાટણમાં કોરોનાની સ્થિતિ બગડતા કાર્યકરોમાં રોષ છે. મહિલાએ સાંસદ ભરતસિંહ ડાભી પાટણ જિલ્લાની મુલાકાત જ ન લેતા હોવાનો આક્ષેપ કર્યો છે.

પાટણમાં ભાજપના મહિલા કાર્યકરે સાંસદ ભરતસિંહને કહ્યું કે, તમે થોડા દિવસ પહેલા એક કાર્યકરને ફોન પર જવાબ આપ્યો કે, હું શું કરી શકું મારાથી કશું થાય તેમ નથી. આ પ્રકારની વાત કરીને તમે નાસીપાસ થઈ રહ્યા છે. પ્રજાએ તમને ખોબલે-ખોબલે મત આપ્યા છે. અને તમે આ પ્રકારના નિવેદન આપી રહ્યા છો. તમે ભાજપના એક કાર્યકરને આ પ્રકારનો જવાબ આપ્યો તેનાથી મને દુઃખ થયું છે. મોટા નેતાઓ એસીની હવા ખાઈ રહ્યા છે. અને જયારે સામાન્ય જનતા ભાજપના કાર્યકરોને સંભળાવે છે. પાટણમાં ભાજપના મહિલા કાર્યકરે સ્થાનિક સાંસદ ભરતસિંહને ફોન પર સંભળાવ્યું કે, જો તમે કંઈ કરી શકો તેમ નથી તો તમારે ચૂંટણી લડવાની જરૂર નહોતી. લોકોના સ્વજનોના ઓકિસજન વગર મૃત્યુ થઈ રહ્યા છે. કેટલા ગુજરાતીઓને હજુ મારવાના છે. અને ૨૬એ ૨૬ સાંસદોથી કશું થતું ન હોય તો, રાજીનામું આપી ઘરે જતા રહો.

(10:12 am IST)