ગુજરાત
News of Friday, 7th May 2021

અમદાવાદમાં કર્ફ્યૂમાં લાખોની ચોરી કરનાર ૭ ઝડપાઈ ગયા

આરોપી ભાગ પાડતા હતા ત્યારે જ પોલીસ ત્રાટકી : કર્ફ્યૂના સમયે પોલીસ પેટ્રોલિંગમાં હોવા છતાંય કેમની ચોરી થઈ તે અંગે તપાસ, કિન્નર સહિત સાત ઝડપાયા

અમદાવાદ,તા.૭  : લૉકડાઉનમાં લોકોની રોજગારી છીનવાઈ જતા આર્થિક જરૂરિયાત ઊભી થઇ છે. ત્યારે ચોરીના રવાડે ચડેલા કિન્નર સહિત સાત શખ્સોની વેજલપુર પોલીસે ધરપકડ કરી છે. સાથે જ પોલીસે આરોપી પાસેથી ત્રણ લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. તાજેતરમાં જુહાપુરામાં આવેલા એક જવેલર્સ શોપમાં ત્રણેક લાખની ચોરીની ઘટના બની હતી. કર્ફ્યૂના સમયે પોલીસ પેટ્રોલિંગમાં હોવા છતાંય કેમની ચોરી થઈ તે અંગે તપાસ ચાલી રહી હતી. આખરે પોલીસે ગુનો નોંધી બાતમી આધારે ફેઈઝાન શેખ, યુનુસ મન્સૂરી, સેફુલા પઠાણ, દાઉદ શેખ, સુનિલ પરમાર, નયન યાદવ અને શેફ અલી શેખની ધરપકડ કરી છે. આ ગેંગે એક સપ્તાહ પહેલા અડધી રાત્રે જુહાપુરામાં આવેલા રોયલ અકબર ટાવરમાં એસ આર જવેલર્સના તાળા તોડી ૩.૪૦ લાખના સોનાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી. ગેંગ મિનિટોમાં જ રફુચક્કર થઈ ગઈ હતી. આ આખી ઘટના જવેલર્સ શૉ રૂમમાં લાગેલ સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જવેલર્સના માલિકને પાડોશી દુકાનદારે બીજા દિવસે સવારે કોલ કરી જણાવ્યું હતં કે, દુકાનમાં ચોરી થઈ છે. જવેલર્સના માલિકે વેજલપુર પોલીસનો સંપર્ક કરી ફરિયાદ કરી સીસીટીવી ફૂટેજ આપતા પોલીસે તપાસ શરૂ કરી હતી. આ મામલે તપાસ કરતા આરોપીઓ એક મકાનમાં ભેગા થયા હોવાની બાતમી પોલીસને મળી હતી. પોલીસે મકાનમાં તપાસ કરતા આરોપીઓ સાથે મુદ્દામાલ પણ મળી આવ્યો હતો.

(9:05 pm IST)