ગુજરાત
News of Thursday, 7th July 2022

દિવાળી વેકેશનમાં વિમાન ભાડા અત્‍યારથી આસમાને

૨૦૧૯ના દિવાળી વેકેશનની સરખામણીમાં બમણા ભાડા

અમદાવાદ, તા.૭: આ વર્ષે વિદેશ ફરવા જનારાઓ માટે દિવાળી વેકેશન સૌથી મોંઘુ બનશે કેમ કે વિમાન ભાડા અત્‍યારથી આસમાને પહોંચી ગયા છે. વહેલુ બુકીંગ કરાવવા છતા આંતરાષ્‍ટ્રીય ફરવાના સ્‍થળો જેવા કે વીએટનામ, કંબોડીયા, લાઓસ, ઇન્‍ડોનેશીયા, દુબઇ વગેરેના વિમાન ભાડા ૨૦૧૯ના દિવાળી વેકેશન કરતા બમણા થઇ ગયા છે.

કોરોનાના કેસ ઘટવાથી અને વિભીન્‍ન દેશોએ પ્રતિબંધો હટાવતા દિવાળી વેકેશનમાં પ્રવાસીઓમાં મોટો ઉછાળો આવે તેવી શકયતાઓ સેવાઇ રહી છે. માંગની સામે ઓછી ફલાઇટોના કારણે ભાવો વધ્‍યા છે. ટ્રાવેલ ઉદ્યોગના અંદાજ અનુસાર સીંગાપુર અને મલેશીયાના વિમાન ભાડામાં સૌથી વધારે વધારો લગભગ ૧૬૬ ટકા જોવા મળ્‍યો છે.

ટ્રાવેલ એજન્‍ટસ એસોસીએશન ઓફ ઇન્‍ડિયા (ટીએએઆઇ)ના ચેરમેન વીરેન્‍દ્ર શાહે કહ્યુ કે દિવાળીનું વેકેશન ટુકુ હોવાથી યુરોપ કરતા ગલ્‍ફ અને ફાર ઇસ્‍ટની ડીમાન્‍ડ વધારે રહે છે. આ વર્ષે મોટા ભાગના દેશોએ આંતરરાષ્‍ટ્રીય કોરોના પ્રતિબંધો હટાવી દીધા હોવાથી આંતરરાષ્‍ટ્રીય પ્રવાસોની માંગ વધારે રહેશે.

(1:29 pm IST)