આણંદ જિલ્લામાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી ત્રણ શખ્સોને 2 લાખના મુદામાલ સાથે જપ્ત કર્યા
આણંદ : આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની વીરસદ પોલીસે દહેવાણ ગામે નાગોજી તળાવ સીમના કોતરોમાં ઓચિંતો છાપો મારીને પાના પત્તાનો હારજીતનો જુગાર રમી રહેલા ત્રણ શખ્સોને ઝડપી પાડી કુલ્લે રૂા.બે લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે આણંદ ગ્રામ્ય પોલીસની ટીમે નાપાડ-વાંટા ગામે ગોહેલપુરા વિસ્તારમાં છાપો મારી જુગાર રમી રહેલ સાત શખ્સોને કુલ્લે રૂા.૧૭ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. પોલીસે ઝડપાયેલા શખ્સો વિરુધ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વીરસદ પોલીસ ગત રોજ પેટ્રોલીગમાં નીકળી હતી. દરમ્યાન દહેવાણ ગામે નાગોજી તળાવ સીમના કોતરોમાં કેટલાક શખ્સો પાના-પત્તાનો હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની ગુપ્ત બાતમી મળી હતી. જેથી પોલીસે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતા જુગાર રમી રહેલા શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી. દરમ્યાન પોલીસે પત્તા-પાનાનો હારજીતનો જુગાર રમી રહેલા હિતેષ ઉર્ફે ચોકલેટ ત્રિભોવનભાઈ પરમાર (રહે.વડોદરા), કલીયો ઉર્ફે કનુભાઈ ફતેસિંહ પરમાર (રહે. કિંખલોડ) અને પંકજ ઉર્ફે મહારાજ ઠાકોરભાઈ સોની (રહે.ગોરવા)ને રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે દાવ ઉપરથી તેમજ ઝડપાયેલા શખ્સોની અંગઝડતીમાં રોકડ રૂપિયા રૂા.૪૦,૦૦૦, એક મોબાઈલ કિંમત રૂા. ૧૦,૦૦૦/- તથા એક કાર કિં.રૂા. ૧,૫૦,૦૦૦/- મળી કુલ રૂા. ૨,૦૦,૦૦૦/-ના મુદ્દામાલ કબજે કરી જુગાર રમતા ઝડપાયેલા શખ્સો વિરુધ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.