ગુજરાત
News of Monday, 7th September 2020

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં પ્રગતિ પેનલ વિજય

ચૂંટણીમાં આત્મનિર્ભર પેનલનાં સૂપડાં સાફ :વિજય પ્રગતિ પેનલના ઉમેદવારોને ૮૦ ટકા મત મળ્યા

અમદાવાદ,તા.૬ : ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની  અત્યંત પ્રતિષ્ઠાસભર ચૂંટણીમાં પ્રગતિ પેનલનો વિજય થયો છે. ચૂંટણીમાં આત્મનિર્ભર પેનલનો પરાજય થયો છે.  શનિવારે યોજાયેલી ચૂંટણીમાં ૧૪૪૪ સભ્યોએ મતદાન કર્યા બાદ આજે મતગણતરીના અંતે વિજેતા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. એમ તો આ પરિણામ અપેક્ષિત હતું કેમકે પ્રગતિ પેનલની સામે તેમના પ્રતિસ્પર્ધીઓએ છેલ્લી ઘડીએ આત્મનિર્ભર પેનલ ઊભી કરી લડત આપવાના પ્રયાસ કર્યો હતો. જોકે એમાં તેઓ કામિયાબ રહ્યા નહતા. અંતે પ્રગતિ પેનલનો જંગી બહુમતીથી વિજય થયો હતો. પેનલે ૮૦ ટકા મત સાથે આત્મનિર્ભર પેનલનાં સૂપડાં સાફ કરી નાખ્યા હતા.

           ચૂંટાયેલા સભ્યોમાં સિનિયર ઉપપ્રમુખ પદે હેમંત એન.શાહ, ઉપપ્રમુખ પદે કે.આઈ.પટેલ, સામાન્ય વિભાગમાં અજય ડી.પટેલ, સામાન્ય વિભાગમાં અંકિત શંકરભાઈ પટેલ, સામાન્ય વિભાગમાં ભુપેન્દ્ર પટેલ, સામાન્ય વિભાગમાં ચેતન ડી. શાહ, સામાન્ય વિભાગમાં મદનલાલ જયસ્વાલ, સામાન્ય વિભાગમાં પથિક એસ.પટ્ટવારી, સામાન્ય વિભાગમાં ઉદિત દિવેટિયા, સામાન્ય વિભાગમાં વિરંચી અરવિંદ શાહ, લાઈફ મેમ્બર સ્થાનિકમાં અનિલ એમ.જૈન, લાઈફ મેમ્બર સ્થાનિકમાં હતેન વસંત, લાઈફ મેમ્બર બહારગામમાં સૌરીન પરીખ, બિઝનેસ એસો.સ્થાનિકમાં ગૌરાંગ આર. ભગત, બિઝનેસ એસો.સ્થાનિકમાં હરગોવિંદસિંઘ અને બિઝનેસ એસો. બહારગામમાં અંબર જે.પટેલનો વિજય થયો છે.  અગાઉ ચેમ્બરના ૧૦ ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરાયા. ચેમ્બરની ચૂંટણી પાંચમી તારીખે યોજાઈ પરંતુ જે કેટેગરીમાં જેટલી બેઠકો હતી તે જ ઉમેદવારો હોવાથી જે તે ઉમેદવારને ગત ગુરુવારે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રમુખ તરીકે નટુભાઈ પટેલ, કોર્પોરેટ કેટેગરીમાં શૈશવ શાહ, પારસ દેસાઈ અને પ્રવીણ કોટક. જ્યારે રિજિયોનલ ચેમ્બરમાં વી.પી. વૈષ્ણવ તથા દિનેશ નાવડિયા. અને સામાન્ય વિભાગ (બહારગામ) માટે  ભાર્ગવ ઠક્કર, મિતુલ શાહ, સુનીલ વડોદરિયા અને મહેશ પૂંજને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

(9:47 pm IST)