ગુજરાત
News of Monday, 7th September 2020

રાજ્યમાં રિકવરી રેટ ૮૨ ટકાથી વધુ : વિજય રથ પ્રારંભ કરાવતા વિજયભાઇ

કોરોના અંગે ગુજરાતમાં જાગૃતિ લાવીને કોરોના સામે જંગ જીતવાના સંકલ્પને વધુ મજબૂત બનાવશે : ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પાંચ જિલ્લામાં કોવિડ-૧૯ વિજય રથનું ઇ-ફલેગથી પ્રસ્થાન : કોવિડ-૧૯ વિજય રથ રાજ્યના તમામ ૩૩ જિલ્લાના ૯૦ જેટલા તાલુકામાં ભ્રમણ કરી લોકોને કોરોના પ્રત્યે જાગૃત કરીને પ્રજા કલ્યાણલક્ષી વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતગાર કરાશે

ગાંધીનગર તા. ૭ : આજથી રાજયના પાંચ જિલ્લામાં પ્રસ્થાન કરાવેલ કોવિડ-૧૯ વિજય રથ ગુજરાતમાં કોરોના મહામારી સામે જાગૃતિ લાવીને રાજયમાં સૌનો સાથ સૌના સહકારથી કોરોના સામે જંગ જીતવાની રાજય સરકારની સંકલ્પનાને વધુ મજબુત બનાવશે તેવો વિશ્વાસ વ્યકત કરતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી જણાવ્યું હતું.ઙ્ગ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા આજે જૂનાગઢ, ભુજ-કચ્છ, બનાસકાંઠા, સુરત અને અમદાવાદ એમ પાંચ જિલ્લામાં કોવિડ-૧૯ વિજય રથનું ગાંધીનગરથી ઇ-ફલેગથી લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.ઙ્ગ

મુખ્યમંત્રીશ્રીએ કોવિડ-૧૯ વિજય રથના આયોજન બદલ આયોજકોને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે, આપણા સૌના સંકલિત પ્રયાસોથી ગુજરાતમાં કોરોનાને હરાવવા ચોક્કસ સફળતા મળશે. રાજય સરકારના સઘન પ્રયાસો અને લોકોના સહયોગથી ગુજરાતમાં કોરોના રિકવરી રેટ ૮૨ ટકા સુધી પહોંચ્યો છે જયારે મૃત્યુ દર ૭ ટકાથી ઘટાડીને ૨.૯ ટકા સુધી લાવી શકયા છીએ. દેશના સરેરાશ ૮થી ૯ ટકા પોઝિટિવ રેટ સામે ગુજરાતમાં ૩.૫ થી ૪ છે. ગુજરાતમાં ધન્વંતરી રથ, સંજીવની રથ, ૧૦૪ હેલ્પલાઇન અને હવે કોવિડ-૧૯ વિજય રથના માધ્યમથી આપણે કોરોના સામેનું યુદ્ઘ જીતવાની દિશામાં આગળ વધી રહ્યા છે તેમાં આપણો ચોક્કસ વિજય થશે તેવી મુખ્યમંત્રીશ્રીએ શ્રદ્ઘા વ્યકત કરી હતી.

તેમણે કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં કોરોના સામેની લડાઇમાં ગુજરાત રોલ મોડલ સાબિત થયું છે. ગુજરાતમાં કોરોના સામે જંગ જીતવા ધન્વંતરી રથ, ૧૦૪ હેલ્પ લાઇન જેવી વ્યવસ્થાઓની WHO દ્વારા સરાહના કરવામાં આવી છે. આ ઉપરાંત સુપ્રીમકોર્ટ દ્વારા પણ ગુજરાતમાં તબીબો દ્વારા કોરોનાના દર્દીઓને અપાતી સેવાની ખાસ નોંધ લેવામાં આવી છે. તાજેતરમાં પ્રતિષ્ઠિત સંસ્થા IIM-અમદાવાદ દ્વારા પણ ગુજરાતમાં કોરોના સામેના રાજય સરકારના પ્રયાસોને બિરદાવવામાં આવ્યા છે.ઙ્ગ

મુખ્યમંત્રીશ્રી કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની મહામારીને નિયંત્રણમાં લેવા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. PIB, ગુજરાત યુનિવર્સિટી અને UNICEFના સંયુકત પ્રયાસોથી આ વિજય રથના પ્રારંભ બદલ મુખ્યમંત્રીશ્રીએ સૌ આયોજકોને અભિનંદન આપીને સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.ઙ્ગ

પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોના એડિશનલ ડાયરેકટર જનરલ શ્રી ધીરજ કાકડીયાએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિજય રથની માહિતી આપતાં જણાવ્યું હતું કે, 'સાવચેતીને સંગ જીતીશું જંગ' તેમજ 'સરકારને સંગ જીતીશું જંગ'ના ધ્યેય મંત્ર સાથે આ કોવિડ-૧૯ વિજય રથનો પ્રારંભ કરવામાં આવ્યો છે. PIB, ગુજરાત યુનિવર્સિટી અને UNICEFના સંકલિત પ્રયાસોથી સંચાલિત આ કોવિડ-૧૯ વિજય રથ રાજયના તમામ ૩૩ જિલ્લાના ૯૦ જેટલા તાલુકામાં ૪૪ દિવસ ભ્રમણ કરી લોકોને કોરાના પ્રત્યે જાગૃત કરશે તેમજ કેન્દ્ર સરકારની પ્રજા કલ્યાણલક્ષી વિવિધ સરકારી યોજનાઓ અંગે માહિતગાર કરશે. આ રથ પ્રતિદિન ૬૦ કી.મી. જેટલું અંતર કાપશે જેમાં રાજયભરના ૩૫૦થી વધુ વિવિધ કલાકારો પરંપરાગત માધ્યમોથી કોરોના સામે સાવચેતીના પગલાં અંગે સંદેશો આપશે. આ ઉપરાંત જે લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે તેવા કોરોના વિનર્સનું પણ સન્માન કરવામાં આવશે.ઙ્ગ

UNICEF ગુજરાતના શ્રી લક્ષ્મી ભવાનીએ ગુજરાતમાં કોવિડ-૧૯નું સંક્રમણ અટકાવવા રાજય સરકારે કરેલી કામગીરીની સરાહના કરતાં કહ્યું હતું કે, કોવિડ-૧૯ વિજય રથના માધ્યમથી લોકોમાં જાગૃતિ આવશે અને કોરોના સંક્રમણને અટકાવવાના સંયુકત પ્રયાસોને વધુ બળ મળશે. આ રથના માધ્યમથી માસ્ક, હાથ સેનેટાઇઝ કરવા, ખોટી માહિતીથી દૂર રહેવા જેવા પાંચ મુખ્ય સંદેશ આપવામાં આવશે.ઙ્ગ

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી હિમાંશુ પંડ્યાએ સ્વાગત પ્રવચન તેમજ PIBના ROB શ્રી સરિતા દલાલે આભાર વિધિ કરી હતી.ઙ્ગ

આ વિજય રથ પ્રસ્થાન પ્રસંગે સાંસદ સર્વશ્રી એચ. એસ. પટેલ, શ્રી રાજેશ ચુડાસમા, શ્રી દર્શનાબેન જરદોશ, શ્રી વિનોદ ચાવડા તેમજ ધારાસભ્યશ્રીઓ વિવિધ જિલ્લામાં ઉપસ્થિત રહ્યા હતા.

(3:20 pm IST)