ગુજરાત
News of Monday, 7th September 2020

અરબી સમુદ્રમાં લો-પ્રેસર સર્જાતા ગુજરાતમાં ચોમાસાની વિદાય પહેલા વરસાદના અંતિમ રાઉન્ડની શકયતા

વાદળછાંયા વાતાવરણ વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ,તા. ૭ : ગુજરાતમાં દક્ષિણ-પશ્યિમીનાં પવનો પ્રવર્તી રહ્યાં છે ત્યારે આગામી ૨૪ કલાકમાં ઉત્ત્।ર ગુજરાત સહિતનાં કેટલાંક વિસ્તારોમાં હળવા વરસાદ ની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી બે દિવસમાં સમગ્ર રાજયમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી બે દિવસ અમદાવાદમાં પણ વરસાદી છાંટા વરસવાની શકયતા છે.

રાજયમાં એક વાર ફરીથી વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. થોડાં દિવસોના વિરામ બાદ રાજયમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ રહી છે. હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર અરેબિયન સીમાં લો પ્રેશર સર્જાઇ રહ્યું છે. જેનાં કારણે રાજયમાં ફરીથી વરસાદ  વરસે તેવી શકયતા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજયમાં આગામી બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસે તેવી શકયતા છે. દક્ષિણ ગુજરાતનાં વલસાડ, નવસારી, ભરૂચ, દાદરાનગર હવેલીમાં મધ્યમથી ભારે વરસાદ થાય તેવી સંભાવના છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે ભારે ઉકળાટની વચ્ચે અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. અમરેલીનાં સાવરકુંડલા, જાફરાબાદ, ખાંભા, રાજુલા અને ગીર પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ વરસતા ખેતરોમાં નદીઓ વહેવા લાગી હતી. આ ઉપરાંત લોર, ફાચારિયા સહિતનાં ગામોમાં વરસાદ વરસ્યો હતો.

રાજયમાં છઠ્ઠી સપ્ટેમ્બર સુધીમાં અનેક ડેમો ઓવરફ્લો થયા છે. ઓવરફ્લો ડેમોની સંખ્યા ૧૨૧ એ પહોંચી ગઈ છે. જયારે ૧૬૭ ડેમોને હાઈએલર્ટ સિગ્નલ અપાયું છે. એલર્ટ ડેમોની સંખ્યા ૧૦ અને જેને વોર્નિંગ આપવામાં આવી હોય તેવાં ડેમોની સંખ્યા ૫ ઉપર પહોંચી ગઇ છે. પરંતુ માત્ર ૨૩ ડેમો જ એવાં છે જયાં સંગ્રહ ક્ષમતા કરતાં ૭૦ ટકાથી પણ ઓછું પાણી છે.

હાલમાં સરદાર સરોવર ડેમમાં ૮૯.૯૮ ટકા પાણીનો સંગ્રહ થયો છે જયારે સરદાર સરોવર સહિત રાજયનાં ૨૦૬ ડેમોમાં કુલ ૮૭.૨૪ ટકા પાણીનો સંગ્રહ થયો છે. સૌથી વધુ પાણી સૌરાષ્ટ્રનાં ૧૪૦ ડેમોમાં ૯૫.૧૩ ટકા છે. હાલમાં સૌરાષ્ટ્રનાં કુલ ૮૬ ડેમો ૧૦૦ ટકા છલકાઇ ગયા છે. જયારે મધ્ય ગુજરાતનાં ૧૭ ડેમોમાં ૯૧.૧૬ ટકા પાણી છે.

(3:19 pm IST)