ગુજરાત
News of Monday, 7th September 2020

ડભોઇ તાલુકાના વણાદરા ગામમાં મૃત પિતાની જમીન પુત્રએ બારોબાર વેચી દેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

ડભોઇ :તાલુકાના વણાદરા ગામની મૃત પિતાના નામેની સંયુક્ત જમીન એક  પુત્રએ બારોબાર વેચી દેતા ડભોઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરા નજીક વરસાડા ગામે રહેતા બચુભાઈ મુળજીભાઇ રાઠોડના પિતાના નામની ડભોઇ તાલુકાના વણાદરા ગામે ૬૬૫૯ ચો.મી. ખેતીલાયક જમીન  છે. બચુભાઇના પિતાનું વર્ષ ૧૯૯૯માં અવસાન થયા બાદ પિતાના નામની જમીન અન્યને ખેડવા આપી દેતા હતા અને આ જમીનનો વહિવટ બચુભાઇનો ભાઇ ભીખો કરતો હતો.

વર્ષ-૨૦૧૬માં બચુભાઇ વણાદરા ગામે ગયા અને તલાટીને મળ્યા ત્યારે તલાટીએ તમારી જમીન વેચાણ થઇ ગઇ છે તેમ જણાવ્યુ હતું. બચુભાઇને પોતાની જમીન બારોબાર વેચાણ થઇ ગઇ હોવાની જાણ થતા જમીન વેચાણ અંગેના દસ્તાવેજો મેળવ્યા હતાં. આ  દસ્તાવેજ કરનાર સગો ભાઇ ભીખો તેમજ જમીન લેનાર વાઘોડિયાના ચિરાગ ઇન્દ્રવદન શાહ જાણવા મળ્યું હતું. મહત્વની બાબત એ હતી કે જમીન હજી પણ મૃત પિતાના નામે ચાલતી હતી જેથી પુત્ર ભીખાએ પોતે જમીન માલિક છે તેમ જણાવી દસ્તાવેજ કરી આપ્યો હતો.

(5:30 pm IST)