ગુજરાત
News of Monday, 7th September 2020

ગાંધીનગરના સે-21માં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન થતા લિલ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું: લોકોને અવરજવર કરવામાં હાલાકી

ગાંધીનગર: શહેરના સેક્ટર-૨૧ ખાતે આવેલાં શાકમાર્કેટની પાસે મુખ્ય શોપીંગ સેન્ટરમાં અસંખ્ય દુકાનો આવેલી છે. જ્યાં આગળ મોટી સંખ્યામાં નગરજનો ખરીદી અર્થે આવતાં હોય છે. વાહન લઇને આવતાં નગરજનોને પાર્કિંગની તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા થોડા સમય અગાઉ જ શોપીંગ સેન્ટર સહિત શાકમાર્કેટની આસપાસ પાર્કીંગ પ્લેસ ઉભું કરવામાં આવ્યું છે. જ્યાં આગળ ખરીદી અર્થે આવતાં લોકો પોતાના વાહનોને પાર્ક કરી શકે તે પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી છે. ત્યારે ચોમાસાની મોસમમાં વરસાદી પાણીનો નિકાલ થઇ શકે તે પ્રકારની વ્યવસ્થા ન હોવાના કારણે વાહન પાર્ક કરવામાં પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તાજેતરમાં થયેલાં વરસાદના પગલે પાર્કિંગ પ્લેસમાં પાણી ભરાઇ જવાના કારણે વાહન પાર્ક કરવામાં પણ ખરીદી અર્થે આવતાં લોકોને મુંઝવણ ઉભી થાય છે તો પાણીનો નિકાલ નહીં થવાના કારણે પાર્કીંગ પ્લેસમાં કાદવ કિચડ થઇ જવાથી વાહનચાલકોને વાહન પાર્કીંગ કરવામાં પણ હેરાન પરેશાન થવું પડે છે. તો પાણી ભરાવાના કારણે લીલ અને ગંદકીનું સામ્રાજ્ય પાર્કીંગ પ્લેસમાં ફેલાઇ ગયું છે. જેના પગલે શાકમાર્કેટમાં ખરીદી કરવા માટે આવતાં લોકોને ભારે દુર્ગંધનો સામનો કરીને પસાર થવું પડે છે તો ગંદકીના પગલે મચ્છરોનો ઉપદ્રવ પણ દિનપ્રતિદિન વધી રહ્યો છે. જેથી વેપારીઓ સહિત ખરીદી અર્થે આવતાં નગરજનોને પણ રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. 

(5:33 pm IST)