ગુજરાત
News of Monday, 7th September 2020

પાટણ જિલ્લામાં કોઇપણ બાળક કુપોષિત ન રહે માટે પ્રયાસો કરીએઃ જિલ્લા વિકાસ અધિકારી

પોષણ માહ ઉજવણી અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં બેઠક મળી

પાટણ :દર વર્ષે સપ્ટેમ્બર માસને ‘રાષ્ટ્રીય પોષણ માહ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ રાજય સરકાર દ્વારા ગુજરાતમાં કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે ‘પોષણમાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. પાટણ જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત પાટણ ખાતે વિવિધ વિભાગોના અધિકારીઓની ‘પોષણમાહ’ અંતર્ગત કરવાની કામગીરી સંદર્ભે બેઠક યોજવામાં આવી હતી.

  આ વર્ષે પોષણમાહ અંતર્ગત પાંચ મુખ્ય બાબતો ઉપર ભાર મુકવામાં આવ્યો છે. જેમાં બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસ, એનેમિયા, ઝાડા નિયંત્રણ, હેન્ડ વોશ અને સેનિટેશન અને પૌષ્ટિક આહારનો સમાવેશ થાય છે. દરેક આંગણવાડીમાં આ પાંચ બાબતોને ધ્યાને રાખીને કામગીરી કરવા પર ભાર આપવામાં આવશે. વર્તમાન સમયમાં કોરોનાની મહામારી હોઇ સોશિયલ મીડિયાના માધ્યમથી બાળકોના માતા-પિતાને પોષણ અંગે જાગૃત કરવા માટે પ્રયાસ કરવામાં આવશે. બાળકોને પૂરતું પોષણ મળી રહે એ માટે કીચનગાર્ડન (ન્યૂટ્રીશીયન ગાર્ડન) કરવા માટે અને કુપોષિત બાળકોના પાલક માતા-પિતાનો સંપર્ક કરી તેમને પૂરતી સમજ આપવી એમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખે ઉપસ્થિત સૌ બાળ વિકાસ યોજના અધિકારીઓને જણાવ્યું હતું.

   સપ્ટેમ્બર માસ દરમિયાન સમગ્ર પાટણ જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પોષણ અભિયાનને સફળ બનાવવા ગૃહ મુલાકાત, સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર, વેબિનાર, પૂર્વ પ્રસૂતિ તપાસ, સુખડી વિતરણ, હેન્ડ વોશ નિદર્શન જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવશે. માનનીય પ્રધાનમંત્રી મોદીએ આપેલ સૂત્ર ‘સહી પોષણ દેશ રોશન’ના ધ્યેય સાથે પોષણ માહની ઉજવણી કરવામાં આવશે. આપણા જિલ્લામાંથી કુપોષણને જાકારો આપવા માટે ‘પોષણમાહ’અભિયાન લોક સહભાગિતાથી જનઆંદોલન બની રહે એવા પ્રયાસો કરવા જોઇએ એમ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું.

  આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.પારેખ, આઇસીડીએસના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી રમીલાબેન ચૌધરી, નાયબ વન સંરક્ષક જે.જે. રાજપૂત, જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષ પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.એ.ચૌધરી, સમાજ કલ્યાણ અધિકારી ઇમરાન મન્સૂરી,જિલ્લા બાગાયત અધિકારી મુકેશ ગલવાડિયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રીમતી રમીલાબેન રાઠોડ,વિવિધ તાલુકાની બાળ વિકાસ યોજના અધિકારી બહેનો ઉપસ્થિત રહી હતી. બેઠકને અંતે સૌએ દેશમાંથી કુપોષણને દૂર કરી પોષણયુક્ત રાષ્ટ્રના નિર્માણ માટે પ્રતિજ્ઞા લીધી હતી.

(8:21 pm IST)