ગુજરાત
News of Friday, 7th October 2022

પથ્થર મારનારાઓ માટે જ કેમ થાય છે માનવાધિકારની વાત: શું પથ્થર ખાનારા લોકો માટે માનવાધિકાર નથી?: હર્ષ સંઘવી

-જે નાના-નાના બાળકો અને મહિલાઓ જેમના માથામાં પથ્થર વાગ્યા હોય શું તેમના માટે કોઈ માનવાધિકાર છે જ નહીં? શું આપના ગામમાં ગરબા ન રમી શકાય,

અમદાવાદ : નવરાત્રીના પર્વમાં ખેડા જિલ્લાના માતરના ઉંઢેલા ગામે કોઈ કારણ વગર જ ગામનાં અસામાજિક તત્ત્વોએ આઠમના નોરતાની રાતે ગરબામાં પથ્થરમારો કરી વાતાવરણ ડહોળ્યું હતું. જે મામલે પોલીસે આવાં તત્ત્વો ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી જાહેરમાં મેથીપાક ચખાડ્યો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ સર્જાયો હતો. કેટલાંક લોકો પોલીસની કાર્યવાહીના સમર્થનમાં હતા જ્યારે કેટલાંક લોકો તેના વિરોધમાં હતા. આ મામલે વિરોધ પક્ષ દ્વારા સરકારને ઘેરવાનો પણ પ્રયત્ન કરાયો હતો. ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વિરોધીઓ પર માનવાધિકારી મુદ્દે આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, પથ્થર મારનારાઓ માટે જ કેમ થાય છે માનવાધિકારની વાત. શું પથ્થર ખાનારા લોકો માટે માનવાધિકાર નથી?

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, મને નથી સમજાતુ કે માનવાધિકારની વાત માત્ર પથ્થર મારનારાઓ માટે જ કેમ થાય છે. માનવતા શું માત્ર પથ્થર મારવા વાળા લોકો માટે જ હોય? જે નાના-નાના બાળકો અને મહિલાઓ જેમના માથામાં પથ્થર વાગ્યા હોય શું તેમણો કોઈ માનવાધિકાર છે જ નહીં? શું આપના ગામમાં ગરબા ન રમી શકાય, ને તમને ના ગમે એટલે પથ્થર મારવાનો હક મળી ગયો છે? તો દર વખતે પથ્થર મારવા વાળા લોકો માટે જ કેમ માનવાધિકારની વાત આવે છે. આ વિચારવાનો સમય હવે આવી ગયો છે. હું યુવાનોને વિનંતી કરૂ છું કે આ પ્રકારની ખોટી વાતો સામે તમામે જવાબ આપવો.

 અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ દશેરાના દિવસે પણ હર્ષ સંઘવીએ અસામાજીક તત્ત્વોને માપમાં રહેવા તાકીદ કરી હતી. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ખેડાની ઘટનાનો સંદર્ભ આપી જણાવ્યું હતું કે ત્યાં શાંતિપૂર્વક નવરાત્રીનો તહેવાર ઉજવાતો હતો ત્યારે કોઈક ચોક્કસ સમાજે નહીં પણ કેટલાક અસામાજીક તત્ત્વોએ શાંતિ ડહોળવા પ્રયાસ કર્યો હતો. ગુજરાતમાં જે લોકો કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે.

(6:47 pm IST)