ગુજરાત
News of Friday, 7th October 2022

૩૬મા રાષ્ટ્રીય ખેલમાં ૫૦ મીટર બેક સ્ટ્રોકમાં નવા રેકોર્ડ સાથે માના પટેલે જીત્યો ગોલ્ડ

પશુપાલન રાજ્યમંત્રી દેવાભાઈ માલમના હસ્તે તરણના વિજેતાઓને ચંદ્રક એનાયતઃ ૪૦૦ મીટર ફ્રી સ્ટાઇલ મહિલા, ૨૦૦ મીટર મીડ લે પુરુષ તથા ૫૦ મીટર બેક સ્ટ્રોક પુરુષની સ્પર્ધામાં બન્યા નવા રેકોર્ડ

રાજકોટ : ૩૬મા રાષ્ટ્રીય ખેલમાં રોજેરોજ રોમાંચક સ્પર્ધાઓ સાથે નવા રેકોર્ડ બની રહ્યા છે.  આજે રાજકોટમાં ગુજરાતી માના પટેલે  ૫૦ મીટર બેક સ્ટ્રોક સ્પર્ધા ૨૯.૭૭ સેકન્ડમાં પૂર્ણ કરીને નવા નેશનલ ગેમ્સ રેકોર્ડ સાથે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. પશુપાલન રાજ્યમંત્રી દેવાભાઈ માલમના હસ્તે તરણની સ્પર્ધાઓના વિજેતાઓને ચંદ્રક એનાયત કરાયા હતા. આ તકે સાંસદ રામભાઈ મોકરિયા, જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ, શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  
  રાજકોટના સરદાર પટેલ સ્વિમિંગ પુલમાં આજે ૫૦ મીટર બેકસ્ટ્રોક મહિલાઓની સ્પર્ધામાં ગુજરાતી માના પટેલે સુવર્ણ ચંદ્રક, કર્ણાટકની રિદ્ધિમા વીરેન્દ્ર કુમારે રજત તથા બંગાળની સાગરિકા રોયે કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
૪૦૦ મીટર ફ્રી સ્ટાઇલ મહિલાઓની સ્પર્ધામાં ભારે રસાકસી સર્જાઈ હતી. કર્ણાટકની હશિકા રામચંદ્રે વર્ષ ૨૦૧૫નો ૪ મિનિટ ૩૨.૫૦ સેકન્ડનો નેશનલ ગેમ્સ રેકોર્ડ તોડીને, ૪ મિનિટ ૩૨.૧૭ સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જ્યારે દિલ્હીની ભવ્યા સચદેવા માત્ર ૬૩ માઇક્રો સેકંડ સાથે પાછળ રહી ગઈ હતી. જેના લીધે તેને બીજા ક્રમે રજત ચંદ્રક પ્રાપ્ત થયો હતો. તેલંગણાની વૃત્તિ અગરવાલને કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત થયો હતો.
  ૪૦૦ મીટર ફ્રી સ્ટાઇલ પુરુષોની સ્પર્ધા આજે શ્વાસ થંભાવી દેનારી રહી હતી. ત્રણેય સ્પર્ધક માત્ર માઇક્રો  સેકન્ડના ફરકથી જીત્યા હતા. કેરળના સજન પ્રકાશે પ્રથમ ક્રમે સુવર્ણ, મધ્યપ્રદેશના અદ્વૈત પાગેએ રજત જ્યારે કર્ણાટકના અનીશ ગોવડાએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
   ૨૦૦ મીટર મીડલે મહિલાઓની સ્પર્ધામાં  કર્ણાટકની હશિકા રામચંદ્રએ સુવર્ણ, કર્ણાટકની માનવી વર્માએ રજત જ્યારે ગોવાની શ્રૃંગી બંદેકરએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.
 ૨૦૦ મીટર મીડલે પુરુષોની સ્પર્ધામાં ત્રણેય સ્પર્ધકોએ વર્ષ ૨૦૧૫નો ૨ મિનિટ ૦૮.૯૮નો રેકોર્ડ તોડીને નવો રેકોર્ડ સર્જ્યો હતો. કેરળના સજન પ્રકાશે ૨ મિનિટ ૦૫.૮૧ સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરીને પ્રથમ ક્રમે સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. જ્યારે કર્ણાટકના શિવા. એસ.એ રજત તથા તમિલનાડુના બેનેડિક્ટ રોહિતે  કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.  ૫૦ મીટર બેક સ્ટ્રોક પુરુષોની સ્પર્ધા કર્ણાટકના શ્રીહરિ નટરાજે ૨૬.૬૫ સેકન્ડમાં પૂર્ણ કરીને નવો રેકોર્ડ સર્જી સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો હતો. જ્યારે સર્વિસિસના વિનાયક વી.એ રજત જ્યારે કર્ણાટકના શિવા એસ.એ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.  ૪૦૦ મીટર ફ્રી સ્ટાઈલ મિક્સ્ડમાં કર્ણાટકની ટીમે સુવર્ણ, મહારાષ્ટ્રની ટીમે રજત જ્યારે તમિલનાડુની ટીમે કાંસ્ય ચંદ્રક પ્રાપ્ત કર્યો હતો.

(9:03 pm IST)