અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચોરી અને ચીલઝડપના ગુનાનો ભેદ ઉકેલ્યો : બે આરોપીઓની ધરપકડ
દાણીલીમડા વિસ્તારમાંથી આરોપી મહેમુદ ઉર્ફે નોની અજમેરી અને આસિફ શેખની ધરપકડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચોરીના ગુનાઓને અંજામ આપનાર આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની તપાસમાં બે આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા. જે બંને આરોપીઓ ચીલઝડપ અને ચોરીના ગુના સાથે સંકળાયેલા છે. આરોપી મહેમુદ ઉર્ફે નોની અજમેરી અને આસિફ શેખની બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસને બાતમી મળી હતી કે ચીજ છે અને ચોરી કરનારા બે આરોપીઓ દાણીલીમડા અને તેની આસપાસના વિસ્તારમાં ફરી રહ્યા છે. જેથી બાતમીના આધારે દાણીલીમડા વિસ્તારમાંથી બંને આરોપીઓની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. બંને આરોપીઓની ધરપકડ બાદ પૂછપરછ કરતા ચોરી અને ચીલઝડપના અનેક ગુનાઓનો પર્દાફાશ થયો છે.
બંને આરોપી અમદાવાદના કયા વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપતા હતા તે જાણવા માટે પોલીસે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે. નિર્દોષ જનતાને શિકાર બનાવી પોતાના નાપાક મનસૂબા ને અંજામ આપતા આરોપીઓ સાથે અન્ય કોણ-કોણ સામેલ છે તે જાણવા માટે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.