ગુજરાત
News of Thursday, 8th June 2023

સુરતમાં આર્થિક તંગીના કારણોસર એકજ પરિવારના ચાર સભ્યોએ આપઘાતનો પ્રયાસ કરતા અરેરાટી મચી જવા પામી:3ના મૃત્યુ:એકનો બચાવ

સુરતઃ શહેરમાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા ગટગટાવી લીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. ચારેયને વધુ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. આ ઘટનામાં ટુંકી સારવાર બાદ માતા અને પુત્રી અને પુત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે પિતાની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સુરતના આ પરિવારના મોભી રત્નકલાકાર પતિએ ઝેરી દવા પીધા બાદ તેના પિતરાઈને ફોન કરીને કહ્યું હતું કે, મારા એક દીકરા અને દીકરીને સાચવી લેજે. આપઘાત કરતાં પહેલાં રત્નકલાકારે વીડિયો બનાવીને કહ્યું હતું કે, હું સારો પતિ કે પિતા ના બની શક્યો. હાલમાં પ્રાથમિક તપાસમાં પરિવારે આર્થિક સંકળામણને કારણે આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના સરથાણામાં રહેતા મુળ સિહોરના વતની વિનુભાઈ મોરડિયા હીરાના કારખાનામાં કામ કરે છે. બુધવારે સાંજે તેઓ તેમની પત્ની શારદાબેન અને પુત્ર ક્રિશ તથા પુત્રી સેનિતાએ એક સાથે ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ ચારેયને 108 મારફતે હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન પત્ની, પુત્રી અને પુત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે વિનુભાઈની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવની જાણ થતાં પોલીસ પણ હોસ્પિટલ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે ACP પી.કે. પટેલે મીડિયાને જણાવ્યું હતું કે મોરડિયા પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી લીધી હતી.આ સામૂહિક આપઘાતના પ્રયાસમાં કુલ ત્રણનાં મોત નીપજ્યાં છે અને વિનુભાઈ સારવાર હેઠળ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સારવાર હેઠળ રહેલા વિનુભાઈ પરિવાર સાથે ઝેરી દવા ગટગટાવે એ પહેલાં એક વીડિયો બનાવ્યો હતો. જેમાં તેઓ બોલે છે કે મારે હવે આપઘાત કરવા સિવાય કોઈ આખરી રસ્તો નથી. હું સારો પિતા ના બની ન શક્યો. આ વીડિયો રેકોર્ડ કર્યા બાદ તેમણે આપઘાત કરી લીધો હતો.

(6:05 pm IST)