ગુજરાત
News of Tuesday, 8th September 2020

સ્વાસ્થય સૈનિકોની દેશના સૈનિકો માટે અનોખી સેવા સંવેદના

નડાબેટ પર તહેનાત બી.એસ.એફ. સૈનિકોની સ્વાસ્થય દરકાર કરી મેડિકલ કેમ્પનું આયોજન : ૧૦૦૦ સૈનિકોમાં રોગપ્રતિકારક શક્તિ વર્ધક એલોપેથી, આયુર્વેદિક, હોમિયોપેથી દવાઓનું વિતરણ

અમદાવાદ :    ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારત – પાકિસ્તાન સરહદને જોડતી નડાબેટ ખાતે બી.એસ.એફ. સૈનિકોની સ્વાસ્થય દરકાર કરીને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ મેડિકલ કેમ્પમાં સૈનિકોના મેડિકલ ચેકઅપ કરીને રીપોર્ટસ આધારીત દવાઓનું વિતરણ કરવમાં આવ્યુ હતુ. તબીબી નિષ્ણાંતોની ટીમ દ્વારા આ જવાનોની સ્વાસ્થ્ય તકલીફોની સારવાર કરવામાં આવી હતી.
          બી.એસ.એફ. જવાનો  કોરોનાથી સંક્રમિત ન થાય તેમની રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ૧૦૦૦ જેટલા બી.એસ.એફ. જવાનોમાં એલોપેથી, આયુર્વેદિક અને હોમિયોપેથી રોગપ્રતિકારક શક્તિ વર્ધક દવાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
           દેશની  સરહદે ભારતજનો માટે દિવસ રાત તહેનાત રહીને નગરજનોની સુરક્ષા કરતા દેશના સૈનિકો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. સરહદના સૈનિકોની રોગપ્રતિકારક શક્તિ શ્રેષ્ઠ અને મજબૂત રહે તે માટે અમદાવાદની મણિનગર વિસ્તારમાં આવેલી સેવા ભાવી સંસ્થા શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૈનિકોના સ્વાસ્થયની દરકાર કરીને આ સમગ્રતયા કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
          ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર પ્રકાશ કુરમિએ જણાવ્યું હતું કે દેશના સીમાડા સાચવતા જવાનોના સ્વાસ્થ્યની સુરક્ષા આપણી સામૂહિક જવાબદારી છે. આ ભાવ સાથે છેલ્લા કેટલાય સમયથી ટ્રસ્ટ દ્વારા જવાનોના સ્વાસ્થ્ય માટે મેડિકલ કેમ્પ સહિતની કામગીરી કરવામાં આવે છે.
          આગામી સમયમાં પણ સતત બે રવિવારના દિવસે બી.એસ.એફ. સૈનિકોના સ્વાસ્થયની દરકાર કરીને આ સંસ્થા દ્વરા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં રોગપ્રતિકારક શક્તિ વર્ધક વિવિધ દવાઓનું વિતરણ કરવામાં આવશે એમ તેમણે ઉમેર્યું હતું.

(5:13 pm IST)