ગુજરાત
News of Tuesday, 8th September 2020

વડોદરા: સુરતથી પૈસા લઇ બહેનની સારવાર માટે બરોડા આવતા યુવકને ચેકીંગ કરવાના બહાને બે ગઠિયા લૂંટી જતા પોલીસ ફરિયાદ

વડોદરા:મારી થેલી તું લઇ ગયો છે ? તેવો સવાલ કરીને એક શ્રમજીવી યુવકનું ચેકિંગ કરવાના બહાને બે ગઠિયા ૩૦ હજાર રૃપિયા ઝૂંટવીને એકટીવા પર નાસી છૂટયા હતા. 

સુરત લીંબાયત વિસ્તારની કૈલાસનગર સોસાયટીમાં રહેતો મુકેશ ચંદુભાઇ દેવીપુજક છુટક મજુરી કરે છે.  મુકેશની બહેનની અધૂરા મહિને ડિલીવરી થઇ  હોઇ તેને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેથી મુકેશ સુરતથી બહેનની સારવારના ખર્ચના રૃપિયા આપવા માટે વડોદરા આવ્યો હતો. આજે બપોરે મુકેશ પોતાના બનેવીની લ્યૂના મોપેડ લઇને હાથીખાનામાં ખરીદી કરીને સાસુના ઘરે ખોડિયારનગર જતો હતો. તે દરમિયાન વારસિયા  બાલાહનુમાન મંદિર પાસે એકટીવા પર આવેલા બે યુવકોએ તેને આતર્યો હતો અને કહ્યું હતું કે મારા  એટીએમ કાર્ડ અને બીજા કાગળોવાળી થેલી લઇને તું  જતો રહ્યો છે. મુકેશે ના પાડી હતી કે મારી પાસે કોઇ થેલી નથી. પરંતુ બંન્ને આરોપીઓએ તેના ખિસ્સા તપાસી ખિસ્સામાંથી મળેલા ૩૦ હજાર રૃપિયા લઇને ભાગી ગયા હતા. 

વારસિયા પોલીસ સ્ટેશનના પી.આઇ. કીરિટ લાઠિયાએ સીસીટીવી ફૂટેજના આધારે બંન્ને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. 

(5:35 pm IST)