ગુજરાત
News of Tuesday, 8th September 2020

આણંદ ગ્રામ્ય વિસ્તાર પોલીસે બાતમીના આધારે ચિખોદરા ચોકડી નજીકથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

આણંદ:ગ્રામ્ય પોલીસે ગતરોજ પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ગુપ્ત બાતમીના આધારે આણંદ પાસેની ચીખોદરા ચોકડી ખાતેથી એક ટાટા સુમો ગાડીમાં ભરીને લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે વિદેશી દારૂ તથા ગાડી મળી કુલ રૂા. ૧.૯૩ લાખના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોની ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદ જીલ્લામાં થઈ રહેલ વિદેશી દારૂની હેરાફેરીને અટકાવવા માટે જીલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાથી આણંદ ગ્રામ્ય પોલીસની ટીમ ગત રાત્રિના સુમારે પેટ્રોલીંગમાં નીકળી હતી. દરમ્યાન પોલીસની ટીમ ચીખોદરા ચોકડી ખાતે પેટ્રોલીંગમાં હતી ત્યારે એક ટાટા સુમો ગાડીમાં વિદેશી દારૂ ભરી વાસદ તરફથી આણંદ તરફ આવનાર હોવાની ગુપ્ત બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમ ચીખોદરા ચોકડી ખાતે ગુપ્ત વોચમાં ગોઠવાઈ હતી. દરમ્યાન બાતમીદારના વર્ણન મુજબની ટાટા સુમો કાર વાસદ તરફથી આવી ચડતા પોલીસે તેને અટકાવી હતી. પોલીસે કારમાં સવાર ત્રણ શખ્સોના નામઠામ અંગે પૂછપરછ કરતા તેઓ વિક્રમભાઈ લક્ષ્મણભાઈ પરમાર (રહે. વડોદ, તા. આણંદ), ડગલેશ રામદાસ ક્રિશ્ચિયન (રહે. પરીખ ભુવન, આણંદ) તથા વિરેન્દ્રસિંહ મહિપતસિંહ ચૌહાણ, (રહે. મોગર, લાલદરવાજા) હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે ટાટા સુમો ગાડીની તલાશી લેતા દરવાજાના પડખા ખોલતા અંદરથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જેની અંદાજીત કિંમત રૂા. ૨૩,૨૦૦ જેટલી થવા જાય છે. પોલીસે વિદેશી દારૂનો જથ્થો તથા ટાટા સુમો ગાડી મળી કુલ્લે રૂા. ૧,૯૩,૫૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ ત્રણેય શખ્સો સામે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેઓ આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

(5:38 pm IST)