ગુજરાત
News of Tuesday, 8th September 2020

મહેસાણામાં અસામાજિક તત્વોનો આતંક:બપોરના સુમારે બાઈક પર બેંકમાં પૈસા ભરવા જતા બે શખ્સો પર ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ થતા પોલીસ ફરિયાદ

મહેસાણા:શહેરના માનવઆશ્રમ વિસ્તારમાં દિનપ્રતિદિન અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સાવ નિષ્ફળ રહી છે. મહેસામા લીંક રોડ પર આવેલ ભાજપના નેતાના પેટ્રોલપંપના બે કર્મચારી બપોરના સુમારે બાઈક પર બેંકમાં પૈસા ભરવા જતા ચાલતા જઈ રહેલા બે શખસોએ ફાયરીંગ કરી લૂંટનો પ્રયાસ કરવામાં આવતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. જોકે ફાયરીંગની ઘટના અંગે હજુ સુધી ફરિયાદ થઈ નથી, પરંતુ પેટ્રોપંપના માલીકે ફાયરીંગ થયું હોવાનું સ્વીકાર્યું હતું.

મહેસાણા શહેરના માનવઆશ્રમથી રામોસણા તરફ જતા માર્ગ પર ભાજપના એક નેતાનો પેટ્રોલપંપ કાર્યરત છે. આ પેટ્રોલપંપના બે કર્મચારી બપોરના બે થી ત્રણના સુમારે રૃા. ૧૧ લાખની કેશ લઈ પાલિકા પાસે આવેલ બેંક ઓફ બરોડામાં ભરવા જવા બાઈક પર નીકળ્યા હતા. વિસનગર જીઈબીની પાછળના ધરતીપાર્કની નજીકથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન ચાલતા આવતા બે માણસોએ બાઈક સવારને રીવોલ્વર બતાવી ફાયરીંગ કરી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સાંકડા માર્ગમાં બીજી બે અન્ય ગાડીઓ સામેથી આવતા આ તકનો લાભ લઈ કર્મચારીઓએ બાઈક ભગાડી જતાં લૂંટમાંથી બચી જવા પામ્યા હતા જોકે ભાજપના રાજમાં જ ભાજપના નેતાઓ સુરક્ષિત નથી અને ભરબપોરે લૂંટના પ્રયાની ઘટના બનતા શહેરભરમાં ચકચાર મચી જવા પામી છે. જોકે હાલમાં કોરોના મહામારીમાં પોલીસ તંત્ર દ્વારા ઠેરઠેર પોઈન્ટ અને પેટ્રોલીંગ ચાલી રહ્યું છે ત્યારે આવી ઘટના બનતા પોલીસનું પોઈન્ટ અને પેટ્રોલીંગ માત્ર કાગળ પર જ હોય તેવું જનતાને લાગી રહ્યું છે.

(5:39 pm IST)