ગુજરાત
News of Tuesday, 8th September 2020

ભાજપ પ્રદેશ પ્રમુખના પહેલા પોઝિટિવના અહેવાલ : પાટીલે ના પાડી, પછી પુત્રની ટ્વિટથી ગેરસમજણ

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ કોરોના પોઝિટિવ હોવા અંગે ભારે અસમંજસ ફેલાઈ

ગાંધીનગર : ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ કોરોના સંક્રમિત થયા અંગે ભારે ઉથલપાથલ જોવા મળી હતી  જેના કારણે સાંજ સુધી તેઓ પોઝિટિવ છે કે નહીં તેમાં ભારે અસમંજસની અને નેતાઓમાં ફફડાટની સ્થિતિ સર્જાઇ હતી.

મીડિયામાં સાંજે 4.15ની આસપાસ સીઆર પાટીલ કોરોના પોઝિટિવ આવતા અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયાના અહેવાલ વહેતા થયા હતા. જો કે થોડી વારમાં જ પાટીલે જાતે ટ્વીટ કરી લખ્યું હતું કે તેઓ સ્વસ્થ છે. તેમનો એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે RT-PCR રિપોર્ટ આવવાનો બાકી છે. દરમિયાનમાં તેમના પુત્ર જીજ્ઞેશ પાટીલે ટ્વીટ કરી હતી. તેમના પિતાને કોરોના પોઝિટિવ થતાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. તેથી તેમના માટે પ્રાર્થન કરજો. પરંતુ થોડી વારમાં જ આ ટ્વીટ હટાવી લેવાઇ હતી

આ સમગ્ર ઘટનાક્રમને પગલે રાજકીય વર્તુળોમાં અનેક અટકળો થવા લાગી હતી. એવા સવાલ થયા હતા કે જો પાટીલ સ્વસ્થ છે તો અપોલોમાં દાખલ કેમ થયા અને હોસ્પિટલ તરફથી બુલેટિન કેમ ન આવ્યું? એવો ગણગણાટ હતો કે પ્રદેશ ભાજપ પ્રમુખ ધડાધડ રેલીઓ કરી રહ્યા છે. જ્યાં સભાઓ કરી ત્યાં પણ ઘણા પોઝિટિવ થયાના રિપોર્ટ પણ આવતા પાટિલ માટે પણ જોખમ તો હતું જ.

કોરોના મહામારીમાં પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પ્રવાસ ખેડતા તેઓએ સામેથી કોરોનાને નોતરૂં આપ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ સાથે અત્યાર સુધીમાં સી.આર પાટીલની રેલીમાં ગયેલા મોટા ભાગના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ પણ કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. આ ઉપરાંત ભાજપનાં પ્રવકતા ભરત પંડયા, ભાજપના કાર્યાલય મંત્રી પરેશ પટેલ, પ્રદેશ મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોનાબેન રાવલ અને અમદાવાદ ( પૂર્વ ) ના સાંસદ હસમુખ પટેલને પણ કોરોના થયો છે.

અત્રે નોંધનીય છે કે ગાંધીનગર કોબા સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમમાં બેસતા ભાજપના કાર્યાલય મંત્રી પરેશ પટેલ, પ્રદેશ મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોનાબેન રાવલ તેમજ ટેલીફોન ઓપરેટર રાકેશ પંડયા સહિત બે સફાઇ કર્મીને લાવનારા ડ્રાઇવર ઉપરાંત બે સફાઇ કર્મીઓને મળીને કુલ છ જણાંને કોરોના પોઝીટીવ આવ્યા હોવાની હકીકત પ્રકાશમાં આવી છે.

(9:43 pm IST)