ગુજરાત
News of Tuesday, 8th September 2020

પેટ્રોલ પંપની ગેરરીતિ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં

કાનુની માપ વિજ્ઞાન નિયંત્રક દ્વારા ચેતવણી : ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા પેટ્રોલ-ડિઝલ ડિસ્પેન્સીંગ યુનિટનું રાજ્યમાં દર વર્ષે ફરજિયાત રીતે વેરિફિકેશન કરાય છે

અમદાવાદ,તા.૮: કાનુની માપ વિજ્ઞાન નિયંત્રકની કચેરી યાદીમાં જણાવ્યું છે કે, રાજ્યના પેટ્રોલ પંપો પર થતી ગેરરીતિ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાશે નહીં. ઓટોમેશન તેમજ આધુનિક ટેકનોલોજીને કારણે પેટ્રોલ ડીઝલ પંપમાં થતી ગેરરીતિના કેસોમાં પ્રતિ વર્ષ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં રાજ્યના તમામ પેટ્રોલ પંપ ઉપર નિયમિત ચેકિંગ કરવા માટે સતત ટીમ સક્રીય હોય છે. વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન પેટ્રોલ-ડીઝલ ઓછું આપવા તથા અન્ય ગેરરીતિઓ બાબતે રાજ્યમાં કુલ ૭૧ કેસ નોંધવામાં આવ્યા હતા. જે ઘટીને વર્ષ ૨૦૧૯-૨૦ જુલાઈ મહિના સુધી કુલ આઠ કેસ નોંધાયા છે.'રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીલ્લ નામનું કોઈ મંડળ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષાની કચેરી ખાતે નોંધાયેલ નથી કે આવો કોઈ હોદ્દો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો નથી. યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર ભારત સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ ડિસ્પેન્સીંગ યુનિટમાં ૨૫ એમએલની વધઘટને માન્ય એરર તરીકે ગણવામાં આવે છે તથા ગ્રાહક સુરક્ષા કચેરી દ્વારા રાજ્યના તમામ પેટ્રોલ-ડીઝલ ડિસ્પેન્સીંગ યુનિટનું દર વર્ષે ફરજિયાત સ્ટેમ્પિંગ અને વેરિફિકેશન કરવામાં આવે છે. ભારત સરકારના ચેક મેઝર્સનો ઉપયોગ કરી રાજ્યના તમામ પેટ્રોલ-ડીઝલ ડિસ્પેન્સીંગ યુનિટના દૈનિક ટેસ્ટીંગ રિપોર્ટ કચેરીને મોકલવામાં આવે છે ત્યારબાદ કચેરી દ્વારા તેનું એનાલિસિસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ઓટોમેશન દ્વારા ઓઈલ કંપનીઓનું પણ નિરંતર ચેકિંગ કરવામાં આવે છે. પેટ્રોલ-ડીઝલ પંપો દ્વારા દૈનિક રીતે ચોવીસ કલાકમાં એક વાર દરેક પેટ્રોલ-ડીઝલ ડિસ્પેન્સીંગ યુનિટની ડિલિવરી ટેસ્ટ પણ કરવામાં આવે છે. જેમાં વધઘટ જણાઇ આવે તો તાત્કાલિક રીસ્ટેમ્પિંગ કરાવવામાં આવે છે. ઓટોમેશન તેમજ આધુનિક ટેકનોલોજીને કારણે પેટ્રોલ-ડીઝલ પંપોમાં થતી ગેરરીતિના કેસોમાં પ્રતિવર્ષ ઘટાડો નોંધાયો છે. આમ કચેરી દ્વારા પેટ્રોલ-ડીઝલ પંપોનું અવારનવાર ચેકિંગ કરવામાં આવે છે અને જો ગેરરીતિ જણાય તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે.

(10:06 pm IST)