ગુજરાત
News of Friday, 8th October 2021

સુરતના રિંગરોડ નજીક કાપડ વેપારી પાસેથી સ્થાનિક વેપારીઓએ 32.21 લાખનું કાપડ ખરીદી હાથ ઉંચા કરી દેતા વિશ્વાસઘાતની ફરિયાદ દાખલ

સુરત: રીંગરોડની સુરત ટેક્સટાઇલ માર્કેટના કાપડ વેપારી પાસેથી સ્થાનિક 6 વેપારીઓએ કુલ રૂ. 32.21 લાખનું કાપડ ખરીદી પેમેન્ટ માટે વાયદા કર્યા બાદ હાથ ઉંચા કરી દેનાર બે દલાલ સહિત છ વેપારી વિરૂધ્ધ સલાબતપુરા પોલીસમાં વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાય છે. રીંગરોડ સ્થિત સુરત ટેક્સટાઇલ માર્કેટમાં સાધના એન્ટરપ્રાઇઝ નામે કાપડનો ધંધો કરતા નિલેશ નંદકિશોર રાઠી (રહે. બી/1, 1101, નંદની-1, વેસુ) એ અંબા સિલેકશનના રાકેશ, અરિહંત માર્કેટમાં શ્યામ સિલ્સ મીલ્સના રવિ પારેખ, જય ગણેશ ક્રિએશનના પિયુષ ભગવાનજી સરવૈયા, પ્રાઇમ પ્લાઝા માર્કેમાં મહાવીર નામે દુકાન ધરાવતા વિજય ભગવાનજી સરવૈયા, જય મહાવીર માર્કેટમાં રૂદ્વાક્ષ ફેબ્રિકેશનના વિકાસ ભટ્ટ, શ્રી લક્ષ્મી એનેક્ષના અમીત બજાજ, કાપડ દલાલ અંકુર ઘીવાલા અને રમેશ બલદેવ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. ત્રણ વર્ષ અગાઉ કાપડ દલાલ અંકુરે રવિ, પિયુષ, રાકેશ અને વિજય સાથે પરિચય કરાવ્યો હતો અને આ તમામ સુરતમાં મોટા પાયે કાપડનું કામકાજ કરે છે એમ કહી 60 દિવસમાં પેમેન્ટના વાયદે કાપડ લે-વેચનો ધંધો શરૂ કર્યો હતો. શરૂઆતમાં ચારેય વેપારીઓએ સમયસર પેમેન્ટ ચુકવ્યું હતું. ત્યાર બાદ ડિસેમ્બર 2019થી જાન્યુઆરી 2020 દરમિયાન રૂ. 25.44 લાખના પેમેન્ટ માટે વાયદા કર્યા હતા. જયારે અમીત બજાજ નામના દલાલે રૂ. 1.58 લાખનો અને રમેશ બલદેવ નામના દલાલે વિકાસ ભટ્ટ નામના વેપારી રૂ. 5.18 લાખનું કાપડ અપાવ્યું હતું. પરંતુ ત્યાર બાદ પેમેન્ટ નહીં ચુકવી વિશ્વાસઘાત કર્યો હતો. 

 

(6:07 pm IST)