ગુજરાત
News of Friday, 8th October 2021

રૂા.૩૧.૭૦ કરોડના ખર્ચે નર્મદા જિલ્લાના “મેણબ્રિજ” અને “સમરખાડી બ્રિજ” નું મંત્રી પૂર્ણેશભાઇ મોદીના હસ્તે કરાયેલું લોકાર્પણ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડૃયન, પ્રવાસન અને યાત્રાધામ વિભાગના મંત્રી પૂર્ણેશ ભાઇ મોદીના હસ્તે આજે તેમના નર્મદા જિલ્લાના પ્રવાસ દરમિયાન ભારત સરકારના સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા રાજયના માર્ગ મકાન વિભાગ દ્રારા જિલ્લાના દેવલીયા પાસે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં-૫૬ ઉપર અંદાજે રૂા.૧૩૫૮ .૫૭ લાખના ખર્ચે નિર્માણ પામેલ ચાર માર્ગીય “મેણ બ્રિજ” તેમજ ભાણદ્રા પાસે અંદાજે રૂા.૧૮૧૧ .૪૨ લાખના ખર્ચે ચાર માર્ગીય “સમરખાડી બ્રિજ” નું લોકાર્પણ કરાયું હતું. આમ, જિલ્લામાં અંદાજે કુલ રૂા. ૩૧.૭૦ કરોડના ખર્ચે ઉક્ત બંન્ને પુલોનું નિર્માણ કરાયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતી પ્રવાસીઓ તેમજ ગરૂડેશ્વર, રાજપીપલા, તિલકવાડા અને આસપાસના વિસ્તારના સામાન્ય લોકોની અવર-જવર માટે સારી સુવિધા ઉપલબ્ધ થઇ છે. તદ્દઉપરાંત મહારાષ્ટ્રથી વડોદરા તથા બોડેલી તરફ જતા વાહનોના પરિવહનની સુવિધા પણ સુલભ બની છે.

આ પ્રસંગે મંત્રી પૂર્ણેશભાઇ મોદી સાથે ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, પૂર્વ મંત્રી શબ્દશરણભાઇ તડવી,ભરૂચ દુધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામભાઇ પટેલ સહિતના જિલ્લાના પદાધિકારી ઓ-અધિકારીઓ વગેરે લોકાર્પણ સમારોહમાં જોડાયાં હતા અને આ બ્રિજની તકતીનું અનાવરણ કરાયું હતું. ભાણદ્રા ચોકડી ખાતે “સમર ખાડી” પુલના  લોકાર્પણ બાદ યોજાયેલા કાર્યક્રમને સંબોધતા ગુજરાતના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ સમગ્ર ગુજરાતની જીવાદોરી “માં-નર્મદા” ના પવિત્ર આંગણે અને નવરાત્રિના પાવન પર્વમાં આ બંન્ને નદી કાંઠાને જોડતો બ્રિજ ખૂલ્લો મૂકાતાં આ વિસ્તારના લોકોની સુખ-શાંતિ અને સમૃધ્ધિના દ્રાર ખૂલશે તેવી મા નર્મદાને પ્રાર્થના સાથે આ વિસ્તારના લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
 મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આ બન્ને પુલની ફોરલેન કનેક્ટીવિટીની સુવિધા તો આ વિસ્તારના સર્વાંગી વિકાસની માત્ર એક ઝાંખી જ છે. આગામી સમયમાં તમામ રાજ્યોના ભવનોની સ્થાપના થાય, તેમજ આ વિસ્તારમાં અનેક બોલી, પહેરવેશ, ખાનપાન રિત-રિવાજ સહિતની અનોખી ભેટ સાથેની સુવાસ સરદાર સાહેબની પ્રતિમાના દર્શનાર્થી મુલાકાતીઓ દ્રારા પ્રસરશે અને તાજમહેલની મુલાકાતની જેમ આગામી વર્ષોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સમગ્ર દેશ અને વિશ્વના પ્રવાસીઓથી ઉભરાશે. જેને લીધે આ વિસ્તારના તેમજ આજુબાજુના વિસ્તારના લોકોને પૂરતી રોજગારી મળી રહેશે.
આ પ્રસંગે ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવા, છોટાઉદેપુરના સંસદસભ્ય ગીતાબેન રાઠવા, ભરૂચ દુધધારા ડેરી અને નર્મદા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ ભાઇ પટેલે પ્રસંગોચિત્ત પ્રવચનો કર્યાં હતાં. પ્રારંભમાં રાષ્ટ્ર ધોરીમાર્ગના મુખ્ય ઇજનેર અને માર્ગ મકાન વિભાગના અધિક સચિવશ્રી પી.આર.પટેલીયાએ સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. અંતમાં ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ આભારદર્શન કર્યું હતું.
આ પ્રસંગે રાજપીપલા નગરપાલિકાના પ્રમુખ કુલદિપસિંહ ગોહિલ, જિલ્લાના અગ્રણી સતીશભાઇ પટેલ, પૂર્વ મંત્રી શબ્દશરણભાઇ તડવી,વિક્રમભાઇ તડવી,  જ્યંતિભાઇ તડવી, અનિરિધ્ધસિંહ ગોહિલ, જયેન્દ્રભાઇ પ્રજાપતિ, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યો સહિત અન્ય આગેવાનો, આસપાસના ગ્રામજનો વગેરે મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમ બાદ મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ રાજપીપલામાં તાજેતરમાં કરજણ નદીના પાણીથી ઓવારા નજીક થયેલાં ધોવાણ સ્થળની મુલાકાત લઇ સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ મંત્રીએ રાજપીપલા શહેરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી.

(10:23 pm IST)