ગુજરાત
News of Wednesday, 8th December 2021

ગુજરાતના પૂર્વ CS અનિલ મુકીમની GERCના ચેરપર્સન તરીકે નિમણૂક

પૂર્વ મુખ્ય સચિવ અનીલ મુકિમને ફરી એક વખત મહત્વની જવાબદારી સોંપાઈ : તેમની જગ્યાએ IAS અધિકારી પંકજ કુમારની મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરાઈ

અમદાવાદ : રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ અનીલ મુકિમને મહત્વની જવાબદારી સોંપાઈ છે. રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડી જાણકારી આપી છે કે અનિલ મુકિમની ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ (GERC) ના ચેરપર્સન તરીકે નિમણૂંક આપવામાં આવી છે

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત કેડરના 1985ની બેચના અધિકારી મુકીમ ગત ઓગસ્ટમાં રાજ્યના ચીફ સેક્રેટરી પદેસેવાનિવૃત થયા હતા. સેવાનિવૃતી બાદ છ મહિના કરતા પણ વધારેનો કાર્યકાળ મેળવનાર મુકિમ ગુજરાતના ઈતિહાસમાં પહેલા મુખ્ય સચિવ બન્યાં હતા. તેમની જગ્યાએ IAS અધિકારી પંકજ કુમારની મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરાઈ હતી.
ભારતમાં વિદ્યુત નિયંત્રક આયોગની સંસ્થા તેની મૂળ રચના માટે કેન્દ્ર અને રાજ્યોના આયોગો માટે જોગવાઈ કરાયેલ 1998ના વિદ્યુત નિયંત્રક આયોગ (GERC) અધિનિયમ હેઠળ છે. આ અધિનિયમની જોગવાઈઓ અન્વયે ગુજરાત સરકારે નવેમ્બર 1998માં ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગની સ્થાપના કરી હતી. આ આયોગ અર્ધ-અદાલતી સંસ્થા છે જે અધ્યક્ષ અને બે સભ્યોની બનેલી હોય છે. 2003ના વીજળી અધિનિયમમાં ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગનું ક્ષેત્ર નોંધપાત્ર પ્રમાણમાં વિસ્તૃત કરાયું છે. 2003ના નવા કાયદાએ વીજળી ક્ષેત્રમાં, કાર્યક્ષમતા અને અર્થવ્યવસ્થાને પુરસ્કૃત કરવા અને ગ્રાહકોના હિતોના રક્ષણ માટેનું પર્યાવરણ ઊભું કરવા પ્રશુલ્ક નિર્ધારણ ઉપરાંત વિવિધ જવાબદારીઓ / કાર્યો આયોગને સોંપ્યા છે.

(9:37 pm IST)