ગુજરાત
News of Thursday, 9th June 2022

વડોદરાના અકોટા-દાંડિયાબજાર માર્ગ નજીક ગટરના ઢાંકણા ગાયબ થઇ જતા રાહદારીઓનો અકસ્માતનો ભય

વડોદરા:શહેરને સ્માર્ટસિટી બનાવવા સરકાર કટિબદ્ધ છે ત્યારે સ્માર્ટસિટી બનાવવાની જેની જવાબદારી છે એવા અધિકારી બિનકાર્યક્ષમ સાબિત થઈ રહ્યા છે. શહેરના અકોટા-દાંડિયાબજાર રોડનો સમાવેશ સ્માર્ટસિટીના વિવિધ પ્રોજેકટ અંતર્ગત કરવામાં આવ્યો છે. શહેરમાં છ માર્ગીય રોડ હોય એવા જૂજ માર્ગો છે અને એ જૂજ રોડ પૈકી એક માર્ગ અકોટા-દાંડિયાબજાર રોડ છે. આ રોડ પર અંદાજે ત્રીસ કરોડના ખર્ચે સોલાર પેનલ લગાવવામાં આવી છે. આ રોડ પર લોકો સવાર સાંજ જોગીંગ કરવા આવે છે. આજુ બાજુ હરિયાળી ધરાવતાં આ રોડ પર રાત્રે લોકો બેસવા આવે છે. જો કે આવા સુંદર રોડ ની અવદશા થઈ રહી છે. સ્માર્ટ રોડ પર ગંદકીના ઢગલા જોવા મળે છે. બીજી તરફ સોલાર પેનલ નીચે ફુટપાથ પર ગટરના ઢાંકણા ગાયબ છે. દાંડિયાબજાર જંકશનથી શરૂ થતાં રોડ પર શનિદેવ મંદિરથી આગળ જતાં ફુટપાથ પર ગટરના ઢાંકણા ઉંચા થઈ ગયા છે. પગપાળા જતાં રાહદારીઓ ઠોકર ખાઈ પડી શકે છે. જયારે સોલાર પેનલ નીચે લગાવેલી સ્ટૅનલેશ સ્ટીલની રેલીંગ પણ નીકળી ગઈ છે. રેલીંગ ગમે તે ઘડીએ રોડ પર ઢળી પડે એમ છે. આ રોડ પરથી રોજના હજારો વાહનો પસાર થાય છે એવામાં રેલીંગ રોડ પર પડે અને એ સમયે જ ત્યાંથી વાહન પસાર થતું હોય તો કલ્પના કરો કેવો અકસ્માત થાય ? આવી જ રીતે સોલાર પેનલ નીચે ખુલ્લી ગટરમાં ત્યાંથી પસાર થતા રાહદારી પડી જાય તો શું થાય ? અહીં મહત્વનું એ છે કે ચોમાસું માથે છે ત્યારે આવી ઘોર બેદરકારી કોઈ નિર્દોષનો ભોગ લઈ શકે છે.

(6:21 pm IST)