અમદાવાદ સાળાને લાઈવ વિડીયો કોલ કરીને પત્નીને મારઝૂડ કરતો પતિ અત્યાચાર નિહાળી ભાઈઓ સ્તબ્ધ
વાડજની પરિણીતાએ દહેજ બાબતે ત્રાસ આપતા પતિ,સાસુ, સસરા સામે નોંધાવી પોલીસ ફરિયાદ
અમદાવાદ : શહેરના વાડજ વિસ્તારમાં રહેતી પરિણીતાએ પતિ,સાસુ સસરાના ત્રાસ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દહેજ બાબતે સાસરિયા ત્રાસ આપતા તેમજ પતિએ લોકડાઉનમાં યુવતીને મોં અને આંખ પર મુક્કા મારી ઇજાઓ કરી હતી. પતિ સાળાને વીડિયો કોલ કરી પત્નીની મારઝૂડના લાઇવ વિડીયો બતાવતો હતો.આમ બહેન પર થતા અત્યાચારના લાઈવ વીડિયો જોઈ ભાઈઓ સ્તબ્ધ બની ગયા હતા
વાડજ ખાતે રહેતી રોશનીના લગ્ન નવેમ્બર,2015માં સંજય નાયક સાથે થયા હતા. લગ્ન બાદ મહેમાનોને આવકારવાનો અને વ્યવહારનો પ્રસંગ હતો, જે વ્યવહારની રકમ યોગ્ય ના લાગતા સાસુ સસરા અને પતિએ રોશની સાથે તકરાર કરી હતી. રોશનીના પિતા સાથે પણ તકરાર કરી અપશબ્દો બોલ્યા હતા
સાસુ સસરા કરિયાવર અને પૈસા બાબતે ઝગડો કરી રોશનીને ટોર્ચર કરતા હતા. પતિ મારઝૂડ કરતો અને અપશબ્દો બોલતો હતો. પતિ-પત્ની સાસુ સસરાથી અલગ નારોલ રહેવા ગયા ત્યાં પણ લોકડાઉનમાં પતિ સંજયે પત્ની રોશનીને માર માર્યો હતો. સંજય તેના સાળાને વીડિયો કોલ કરી રોશનીના ખરાબ વીડિયો બતાવી મારમારતો હતો.
આ બાબતે રોશનીના પિતાએ રોશનીના સાસુ સસરાને ફોન કરતા તેઓએ સંજયનો પક્ષ લીધો અને તેને જાણ કરી હતી. આથી પતિ સંજયે ફરી રોશનીને માર મારી તેનું ગળું દબાવ્યું હતું. બહેન રોશની પરના અત્યાચારના લાઈવ વીડિયો જોનાર ભાઈઓ તેણે સાસરીમાંથી પોતાના ઘરે લઈ આવ્યા હતા.
સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ રોશનીએ હોસ્પિટલમાંથી રજા મળતા નારોલ પોલીસ સ્ટેશનમાં સોમવારે પતિ સંજય,સાસુ જ્યોત્સનાબહેન અને સસરા અનિલભાઈ વિરૂધ્ધ ફરિયાદ કરી છે.