ગુજરાત
News of Wednesday, 9th September 2020

વડોદરા:કરજણના સૌથી નાની વયના માત્ર ૨૨ દિવસના બાળકે કોરોનાને મ્હાત આપી

ગોત્રી કોવિડ હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં બાળરોગ નિષ્ણાંતો દ્વારા છેલ્લા ૬ માસમાં ૭૪ કોરોના સંક્રમિત બાળકોની સારવાર કરી

વડોદરા :વડોદરા જિલ્લાના કરજણના માત્ર ૨૨ દિવસના બાળકે ગોત્રી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાંથી કોરોનાને મ્હાત આપી છે. આ બાળકની માતાને કોરોના થતાં બાળક કોરોનાગ્રસ્ત થયો હતો. જોકે બાળક સારવાર બાદ હવે કોરોના મુક્ત થઇને ઘરે પરત ફર્યો છે. વડોદરા શહેરની ગોત્રી કોવિડ હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં બાળરોગ નિષ્ણાંતો દ્વારા છેલ્લા ૬ માસમાં ૭૪ કોરોના સંક્રમિત બાળકોની સારવાર કરવામાં આવી છે. ૭૪ કોરોના સંક્રમિત બાળ દર્દીઓ પૈકી ૧૩ વર્ષની દિવ્યાંગ બાળકીનું મોત થયું હતું. બાકીના ૪૧ બાળ દર્દીનો હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને ૧૧ બાળકોને ટ્રાન્ફસર કરવામાં આવ્યા છે અને ૨૧ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

 ગોત્રી હોસ્પિટલના પીડિયાટ્રીશિયન અને પ્રોફેસર ડો. નિમિષા પંડ્યાએ જણાવ્યું હતું કે, નાના બાળકોમાં એસીઈ-૨ રિસેપ્ટર ઓછા હોવાથી કોરોના વાઈરસને પ્રવેશવાની શક્યતા ઓછી હોય છે,જેથી તેઓ જલ્દી સંક્રમણમાં આવતા નથી. અમારે ત્યાં આવેલા કોરોના સંક્રમિત બાળ દર્દીઓમાં ખાસ કરીને ૨ પ્રકારની અસરવાળા બાળકો જોવા મળ્યા છે. સૌથી વધુ એવા કેસ જોવા મળ્યા હતા કે, ઘરમાં કોઇને કોરોના થતાં અમે પરિવારના સભ્યોનું સ્ક્રિનિંગ કરતા બાળકોમાં કોરોના જોવા મળ્યો હોય અને કેટલીક વાર બાળકોને શરદી ખાસી, તાવ અને ઝાડા થયા હોય અને ત્યારબાદ તેને કોરોના થયો હોવાનું બહાર આવ્યુ હોય.

(11:32 am IST)