ગુજરાત
News of Wednesday, 9th September 2020

અમદાવાદ ભુવનેશ્વર વચ્ચે દોડનાર સાપ્તાહિક ટ્રેનને ૧૮ મીએ લીલી ઝંડી

બીકાનેર યશવંતપુર વચ્ચે દ્વી-સાપ્તાહીક ટ્રેન (વાયા અમદાવાદ)પણ ૧૫ મીથી શરૂ થઇ જશે

અમદાવાદ તા. ૯ : પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદ-ભુવનેશ્વર સ્ટેશન વચ્ચે સાપ્તાહીક વિશેષ એકસપ્રેસ ટ્રેન દોડાવવા માટે નિર્ણય જાહેર કરાયો છે. જેનો ૧૮ સપ્ટેમ્બરથી પ્રારંભ થશે.

આ ટ્રેન દર શુક્રવારે સવારે ૬.૪૦ વાગ્યે અમદાવાદથી રવાના થશે અને રવિવારે સવારે ૬.૨૫ વાગ્યે ભુવનેશ્વર પહોંચશે. એજ રીતે ભુવનેશ્વરથી અમદાવાદ આવવા માટે ૧૬ મીથી રવાના થશે. દરેક બુધવારે સાંજે ૭.૪૦ વાગ્યે ભુવનેશ્વરથી ઉપડશે અને શુક્રવારે સવારે ૭.૨૫ વાગ્યે અમદાવાદ આવી પહોંચશે.

આ ટ્રેન આણંદ, વડોદરા જંકશન, ભરૂચ જંકશન, સુરત, નંદુરબાર, જલગાંવ, બડનેરા, વર્ધા, નાગપુર, ગોંદીયા, દુર્ગ, રાયપુર, મહાસમુંદ, ખારિયાર રોડ, કાંતાબાંજી, ટીટલાગઢ, બેલાંગીર, બરગઢ રોડ, સંબલપુર, અંગુલ, તાલચેર અને ઢેંકનાલ સ્ટેશન પર સ્ટોપ કરશે.

ટ્રેનોમાં એસી ર ટાયર, એસી ૩ ટાયર, સ્લીપર કલાસ અને જનરલ સેકન્ડ કલાસના કોચ જોડવામાં આવશે.

સાથો સાથ બીકાનેર યશવંતપુર દ્વી-સાપ્તાહીક ટ્રેન પણ આગામી તા. ૧૫ થી શરૂ થવા જઇ રહી છે. જે બીકાનેરથી દરેક મંગળવાર અને રવિવારે રાત્રે ૧૦.૪૫ વાગ્યે ઉપડશે અને ચોથા દિવસે સવારે ૩.૧૫ વાગ્યે યશવંતપુર પહોંચશે.

 એજ રીતે યશવંતપુરથી ૧૩ સપ્ટેમ્બરથી દરેક રવિવાર અને શુક્રવાર સવારે ૫ વાગ્યે ઉપડી ત્રીજા દિવસે સવારે ૬.૫૦ વાગ્યે બીકાનેર પહોંચશે.  આ ટ્રેન વાયા અમદાવાદ, પાલનપુર થઇ ને દોડશે.

(11:38 am IST)