ગુજરાત
News of Wednesday, 9th September 2020

રાજકોટની મીનાબેન કુંડલીયા કોલેજના નિવૃત મહિલા પ્રોફેસરના બંગલોમાંથી ૧૦ લાખની ચોરી

નિવૃત થયેલા પ્રોફેસર મીનાબેન પંડ્યા પિતાજીનું શ્રાધ્ધ કરવા ભાઈના ઘરે ગાંધીનગર ગયા ને અમદાવાદમાં તેમના રેઢા બંગલામાં ચોર પગલા પાડી ગયા

અમદાવાદ તા. ૯: અહિની જાણીતી શ્રી મીનાબેન કુંડલીયા કોલેજના નિવૃત પ્રોફેસરના અમદાવાદ સુભાષબ્રિજ કલેકટર ઓફીસ સામે આવેલા બંગલોમાં ત્રાટકી તસ્કરો રૂ. ૧૦.૪૬ લાખની મત્તા ચોરી ગયા છે. નિવૃત થયેલા મહિલા પ્રોફેસર પિતાનું શ્રાધ્ધ કરવા ભાઈના ઘરે માતા સાથે ગયા હતા. દરમિયાનમાં તસ્કરો મકાનની બારીની ગ્રીલ તોડી બંગલામા પ્રવેશ્યા હતા અને પેટી પલંગનું લોક તોડી રૂ.૨૨ હજારની રોકડ અને રૂ.૧૦.૨૪ લાખના દાગીના મળી કુલ રૂ.૧૦.૪૬ લાખની મત્તા ચોરી ગયા હતાં.

જાણવા મળ્યા મુજબ સુભાષબ્રિજ કલેકટર ઓફિસ સામે રિઝર્વ સ્ટાફ કવાર્ટસની બાજુમાં સ્વતંત્ર બંગલોમાં રહેતાં મીનાબેન નરહરીપ્રસાદ પંડ્યા (ઉં.વ.૬૪) ૨૦૦૫માં પ્રોફેસર તરીકે વીઆરએસ લઈ નિવૃત્ત્। થયા હતા. તેઓ રાજકોટની શ્રી મીનાબેન કુંડલીયા કોલેજમાં પ્રોફેસર હતાં. મીનાબેન તેમના વયોવૃધ્ધ માતા પ્રભાવતીબહેન (ઉં.વ.૮૫) સાથે રહે છે. ગત તા.૪ના રોજ માતા પ્રભાવતીબહેન સાથે પિતાનું શ્રાધ્ધ કરવા માટે ગાંધીનગર વાવોલ ખાતે રહેતાં ભાઈ જયકુમાર પંડ્યાના ઘરે ગયા હતા. પરમ દિવસે તેઓ પરત અમદાવાદ આવ્યા ત્યારે લોક ખોલી ઘરમાં જતાં બારીની ગ્રીલ તૂટેલી જોવા મળી હતી.

તસ્કરો પેટી પલંગ તથા રૂમના કબાટેમાંથી રૂ. ૨૨ હજારની રોકડ અને સોનાના દાગીના જેમાં ચાર મંગળસૂત્ર, એક દોરો, સોનાની ૧૦ જોડ બુટ્ટી, ૧૦ નંગ નાકમાં પહેરવાની ચૂની, હાથની લકી, ગોળ સિક્કો અને ચાંદીની ૧૦૦ ગ્રામની પાટ વગેરે મળી રૂ.૧૦.૨૪ લાખની મત્ત્।ા સાથે કુલ રૂ.૧૦.૪૬ લાખની મત્તા ચોરી ગયાનું જણાતાં પોલીસને જાણ કરતાં રાણીપ પોલીસે મીનાબહેનની ફરિયાદ પરથી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(1:01 pm IST)