ગુજરાત
News of Wednesday, 9th September 2020

કંગના રનૌતને સુરક્ષા આપીને સુરત કરણી સેનાના કાર્યકરો ઘર સુધી પહોંચાડશે

સુરત: આજે દેશભરમાં સૌની નજર મુંબઈ પર છે. કારણ કે, અભિનેત્રી કંગના રનૌત 9 સપ્ટેમ્બરે મુંબઈ આવવાની છે. શિવસેનાના નેતા સંજય રાઉત સાથેના શાબ્દિક યુદ્ધ બાદ આજે અભિનેત્રી મુંબઈ આવવા નીકળી છે. ત્યારે તેની સુરક્ષા પર મોટો સવાલ ઉભો થયો છે. કેન્દ્ર સરકાર તરફથી કંગનાને વાય કેટેગરીની સુરક્ષા તો મળી છે. પરંતુ સુરતથી કરણી સેનાના યુવાનો તેની સુરક્ષા માટે મુંબઈ જવા રવાના થઈ છે. કરણી સેનાના લોકો આજે મુંબઈ એરપોર્ટ પહોંચીને કંગના રનૌતની સિક્યુરિટી કરશે. 100 જેટલી કાર તેમની સુરક્ષામાં રહેશે. અલગ અલગ કાર આજે મુંબઈ પહોંચશે, તો બીજી તરફ, શિવસેના દ્વારા કરણી સેનાને રોકવાનો પ્રયાસ કરશે.

અભિનેત્રી કંગના રણૌત મુંબઈ આવવા માટે રવાના થઈ છે. પોતાના પૈતૃક ઘર મંડીથી તે પહેલા ચંડીગઢ જશે, અને ત્યાંથી મુંબઈની ફ્લાઈટ લેશે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ કંગના રણૌત અન શિવસેનાના નેતા સંજય રાઉત વચ્ચે શાબ્દિક જંગ જોવા મળી રહ્યો છે. મામલાની શરૂઆત ત્યારથી થઈ જ્યારે, સુશાંત કેસમાં ડ્રગ એંગલ સામે આવ્યા બાદ કંગનાએ ઈન્ડસ્ટ્રીમાં ડ્રગ્સ મામલે સાંઠગાંઠનો દાવો કર્યો હતો. કંગનાએ કહ્યું કે, તે આ મામલે નિવેદન આપવા માંગે છે. પરંતુ તેને મુંબઈ પોલીસ પર ભરોસો નથી. તેને મુંબઈ પોલીસથી ડર લાગે છે. તેણે મુંબઈની તુલના પીઓકે સાથે કરી. કંગનાના આ નિવેદન સંજય રાઉતે કહ્યું કે, જો તેને મુંબઈમાં ડર લાગતો હોય તો તે મુંબઈ ન આવે. જેના પર કંગનાએ કહ્યું કે, તે મુંબઈ આવશે, જેનામાં દમ હોય તો રોકીને બતાવે. આ વિવાદ બાદ આજે કંગના પહેલીવાર મુંબઈ આવી રહી છે. આ ઘટનાક્રમ બાદ કંગનાના વાય કેટેગરીની સુરક્ષા પણ આપવામાં આવી છે. મહત્વનું છે કે, સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ તપાસમાં ડ્રગ એન્ગલ સામે આવ્યો છે અને આ જ મામલે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની ધરપકડ પણ કરવામાં આવી છે અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવી છે.

કંગના રનૌત સામેના નિવેદન પર કરણી સેનાએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે. કરણી સેના દ્વારા સંજય રાઉત સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. જેથી આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી કરણી સેનાના લોકો મુંબઈ જવાના છે. સુરતથી 50થી વધુ ગાડીના કાફલા સાથે તેઓ મુંબઈ પહોંચશે. મુંબઈ એરપોર્ટ પર કંગના રનૌતનું કવચ બનીને તેને ઘર સુધી પહોંચડશે. આ વિશે કરણી સેનાએ કહ્યું કે, સંજય રાઉત તેના નિવેદન પર માફી માંગે. જ્યા સુધી સંજય રાઉત માફી નહિ માગે ત્યાં સુધી કરણી સેના વિરોધ કરશે.

સુરતથી નીકળેલી કરણી સેનાનું વલસાડમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું હતું. વલસાડમાં દક્ષિણ ગુજરાતના કરણી સેનાના કાર્યકર્તાઓ ભેગા થયા હતા. જેઓ અહીંથી મુંબઈ એરપોર્ટ પહોંચશે.

(4:37 pm IST)