ગુજરાત
News of Wednesday, 9th September 2020

ગાંધીનગર જિલ્લામાં લૂંટના આરોપીઓને પકડવા પોલીસ તંત્ર દોડતું થયું:એલસીબીની ટીમે બાતમીના આધારે શેરસાપરા ચોકડી નજીકથી ચાર ગઠિયાને ઝડપી પાડયા

ગાંધીનગર:જિલ્લામાં ચોરી લુંટના આરોપીઓને પકડવા પોલીસ દોડી રહી છે ત્યારે ગાંધીનગર એલસીબીની ટીમે બાતમીના આધારે શેરસાપરા ચોકડી પાસેથી વર્ષ અગાઉ સ્કુટર ચાલકના સોનાના દોરાની લુંટ કરનાર ચાર શખ્સોને ઝડપી પાડયા છે અને તેમની પાસેથી બાઈક અને ૧૯૯૬૦ની કિંમતનો સોનાનો દોરો કબ્જે કરી આરોપીઓને માણસા પોલીસના હવાલે કર્યા છે.     

જિલ્લામાં આમ તો છેલ્લા થોડા સમયથી ચેઈન સ્નેચીંગના બનાવો અટકયા છે પરંતુ પોલીસ અગાઉ બનેલા ગુનાઓને ઉકેલવા માટે દોડી રહી છે. ત્યારે ગાંધીનગર એલસીબી પીઆઈ જે.જી.વાઘેલાએ પણ સ્ટાફના માણસોને એલર્ટ રહી આવા આરોપીઓને પકડવા માટે તાકીદ કરી હતી. જેના અનુસંધાને ટીમ પેટ્રોલીગમાં હતી ત્યારે કો.વિજયસિંહની બાતમીના આધારે શેરસાપરા ચોકડી ખાતેથી માણસાના ધોળાકુવા ગામના પુનમજી ઉર્ફે બાદશાહ બાલાજી ઠાકોર, સંજય ઉર્ફે એડી દાજીજી ઠાકોર તથા રીદ્રોલ ગામના વિપુલ ઉર્ફે વીડી દીલીપજી ઠાકોર અને દિપક બળદેવજી ઠાકોરને ઝડપી પાડયા હતા. જેમની પાસેથી સોનાની એક તુટેલી ચેઈન પણ મળી આવી હતી. પોલીસે આરોપીઓની પુછપરછ કરતાં તેમણે એક વર્ષ અગાઉ રાજપુરાથી માણસા જતાં રોડ ઉપર સાંજના સમયે સ્કુટરચાલકને રોકી તેના ગળાની સોનાની ચેઈન તોડી લીધી હતી. જપાજપીમાં અડધો દોરો જ તુટયો હતો અને આ શખ્સો બાઈક ઉપર નાસી છુટયા હતા. પોલીસે સોનાનો દોરો અને બાઈક કબ્જે કરીને આરોપીઓને માણસા પોલીસના હવાલે કર્યા હતા. 

(5:09 pm IST)