ગુજરાત
News of Wednesday, 9th September 2020

અમદાવાદના ધોળકા-સાણંદ કોરોનાના નવા હોટસ્પોટ તરીકે ઉભર્યા:ઔદ્યોગિક વિસ્તારો બન્યા ચિંતાનું કારણ

કુલ કેસના 28 ટકા કેસો શહેરની નજીક ગ્રામીણ વિસ્તારોમાં આવેલા ઉદ્યોગોમાં જોવા મળ્યા

અમદાવાદઃ અમદાવાદ ગ્રામીણમાં ધોળકા અને સાણંદ કોરોનાના હોટસ્પોટ બનીને ઉભરી આવ્યા છે. તેમના હોટસ્પોટ બનીને ઉભરી આવવાનું મુખ્ય કારણ ઇન્ડસ્ટ્રીયલ લિંક્ડ કેસો છે. અમદાવાદ ગ્રામીણમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,800 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમાથી 28 ટકા કેસો શહેરની નજીક ગ્રામીણ વિસ્તારોમાં આવેલા ઉદ્યોગોમાં જોવા મળ્યા છે.

 ધોળકામાં 424 કેસ અત્યાર સુધી નોંધાયા છે અને આ 424 કેસમાંથી 137 કેસ ઔદ્યોગિક વિસ્તારના કામદારોના હતા. જ્યારે સાણંદમાં કુલ 417 કેસ નોંધાયા છે અને તેમાથી 132 કેસ ત્યાંના ઔદ્યોગિક કામદારોના હતા

ગયા સપ્તાહે જ અમદાવાદ ગ્રામીણમાં 20 નવા કેસ નોંધાયા તા, તેમાથી પાંચ કેસ તો સાણંદ અને ધોળકાના ઔદ્યોગિક વિસ્તારના છે. હાલમાં આ વિસ્તારોમાં કોરોનાના કેસમાં થયેલા વધારાનું કારણ લોકડાઉન પૂરુ થયા પછી પરત ફરેલા કામદારો છે. તેમા સાણંદમાં કાર્યરત ચીનની બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતા ત્રણ કામદારો કોરોના પોઝિટિવ આવ્યા હતા. આ ઉપરાંત ચિરિપાલ ગ્રુપની કંપનીમાં વધુ બે સ્ટાફર પોઝિટિવ આવ્યા હતા. આ સાથે અમદાવાદ જિલ્લાના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કોરોના કેસનો આંકડો 514 પર પહોંચ્યો હતો.

સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિયેશન (SIA)એ જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશ, બિહાર અને મધ્યપ્રદેશથી લગભગ 12,000થી વધારે કામદારો પરત ફર્યા છે. SIAના પ્રમુખ અજીત શાહના જણાવ્યા મુજબ પરત ફરેલા બધા લોકોનું પરીક્ષણ થયુ નથી. હજી પણ જે પોઝિટિવ કેસ આવ્યા છે તે ખાસ નથી, તેથી સ્થિતિ ચિંતાજનક નથી. સાણંદમાં માઇક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (MSME) એકમોમાં 20,000 કામદારો કામ કરે છે. સરકારે સાણંદના 800 MSME એકમોમાં ટેસ્ટિંગ શરૂ કર્યુ છે.

 

સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે અમદાવાદ ગ્રામીણના કુલ 1,808 કેસોમાંથી 985 ચેપ મ્યુનિસિપાલિટીઓના હતા અને 823 કેસ ગામડાના હતા. આ વિસ્તારમાં સૌથી ઓછા કોરોના કેસ નોંધાયા હોય તેવો ઔદ્યોગિક વિસ્તાર ધોલેરાનો છે, જ્યાં સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજયન (એસઆઇઆર) સ્થાપવામાં આવી રહ્યો છે અને સૌથી વધારે કેસ આવ્યા હોય તે સ્થળ માંડલ (29) છે, જ્યાં મારુતિ સુઝુકીનો પ્લાન્ટ આવ્યો છે.

આ રીતે રાજ્યની બીજી જીઆઇડીસીઓમાં પણ કામદારો પરત ફરતા આગામી સમયમાં આ વિસ્તારોમાં કોરોનામાં મોટો ઉછાળો જોવા મળે તેવી સંભાવના છે. સરકારે તો બધી ગાઇડલાઇન્સ આપી છે, પરંતુ ઘણી કંપનીઓ તેનું પાલન કરી રહી નથી. આ સંજોગોમાં કોરોનાનો ફેલાવો થવાની સંભાવના વધી જાય છે.

(7:37 pm IST)