સુરતના વરાછા વિસ્તારમાં શ્રમજીવી વિધવા વૃધ્ધાના ગળામાંથી 30 હજારની કિંમતનો સોનાનો ચેઇન આંચકી ગઠિયા છૂમંતર.....
સુરત: વરાછા ખાડી મહોલ્લામાં રહેતા શ્રમજીવી વિધવા વૃધ્ધાના ગળામાંથી મોપેડ સવાર રૂ. 30 હજાર કિંમતની સોનાની ચેઇન આંચકીને ભાગી જતા વરાછા પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
વરાછા ખાડી મહોલ્લામાં રહેતા અને ઘરકામ કરી ગુજરાન ચલાવતા વિધવા સવિતાબેન ક્રિષ્ણા કદમ (ઉ.વ. 60 મૂળ રહે. ખિંચલોલી, તા. મહાડ, જિ. રાયગઢ, મહારાષ્ટ્ર) અઠવાડીયા અગાઉ રાત્રે દસ વાગ્યાના અરસામાં કામ કરી પરત ઘરે જઇ રહ્યા હતા. ત્યારે વરાછા વિક્રમ નગરના ગેટ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે મોપેડ પર સ્નેચર ઘસી આવ્યો હતો. સફેદ કલરનું જેકેટ પહેરેલા સ્નેચરે સવિતાબેનના ગળામાંથી રૂ. 30 હજાર કિંમતની સોનાની ચેઇન આંચકી મોપેડ પુર ઝડપે હંકારી ભાગી ગયો હતો. સવિતાબેને મોપેડની પાછળ દોટ લગાવી હતી. પરંતુ સ્નેચર વરાછા ટાંકલી ફળીયામાં તરફ ભાગી જવામાં સફળ રહ્યો હતો.