ગુજરાત
News of Saturday, 10th April 2021

કોવિડ વોર્ડમાં માસૂમ પુત્રની સારવાર માટે પિતાને પહેરવી પડી PPE કિટ

વડોદરાની એસએસજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગની એક તસવીર વાઈરલ થઈ

વડોદરા: કોરોનાની બીજી લહેર સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહી છે કોરોનાના શરૂઆતમાં એવું મનાતું હતું કે  બાળકોને આ વાઈરસ નુક્સાન નથી પહોંચાડી શકતો, કારણ કે તેમની ઈમ્યૂન સિસ્ટમ મજબૂત હોય છે. જો કે કોરોનાનો બીજો સ્ટ્રેઈન હવે બાળકો માટે પણ ઘાતક પુરાવાર થયો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં બાળકો પણ કોરોનાથી સંક્રમિત થયા હોવાના કેસો સામે આવી રહ્યા છે. જેના પગલે માતા-પિતાની ચિંતા વધી ગઈ છે

તાજેતરમાં વડોદરાની એસએસજી હોસ્પિટલના પીડિયાટ્રિક વિભાગની એક તસવીર વાઈરલ થઈ હતી. જેમાં કોરોના સંક્રમિત બાળક સાથે તેના પિતા પીપીઈ કિટ પહેરીને રહી રહ્યા છે. જેથી તેઓ ખુદ બાળકની કાળજી રાખી શકે.

રાજ્યની હોસ્પિટલોમાં પ્રતિદિન બાળકો કોરોના સંક્રમિત થઈને એડમિટ થઈ રહ્યાં છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અત્યાર 12 બાળકો કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જે પૈકી બે બાળકોની હાલત ગંભીર થતાં તેમને ઑક્સિજન પર રાખવામાં આવ્યા છે. હાલ બાળરોગ નિષ્ણાંતોની દેખરેખ હેઠળ તમામ દર્દીઓની સારવાર ચાલી રહી છે. આ સિવાય કોરોનાના કારણે મોતને ભેટ્યા હોય તેવા પણ એક-બે બનાવો સામે આવ્યા છે.

 આ અંગે સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ સુપરિટેન્ડેન્ટ રાકેશ જોશીનું કહેવું છે કે, આ વાઈરસ પહેલાની સરખામણીમાં બાળકો પર વધુ અસર કરે છે. જો કે મોટાભાગના સંક્રમિત બાળકો સામાન્ય તાવની ફરિયાદ વાળા હોય છે, પરંતુ આ વખતે એવા કેટલાક બાળકો પણ આવ્યા છે, જેમને ઓક્સિજનની જરૂર પડી હોય. જે એક ચિંતાનો વિષય છે.

(12:30 pm IST)