ગુજરાત
News of Monday, 10th May 2021

કોરોનામાં ખાનગી શાળાઓમાં નર્સરી ક્ષેત્રે નવા પ્રવેશ ખાલીખમ

નાના બાળકો પ્લે હાઉસ, નર્સરી, HKG - LKGમાં આનંદ કરતા હતા તે : રાજકોટમાં ૪૫૦ ખાનગી શાળાઓમાં દર વર્ષ ૩૦ હજારથી વધુ પ્રવેશ થતા તે આ વર્ષ બંધ : કોરોનાની સ્થિતિમાં બાળકોને શાળા ન મોકલવા વાલીઓનો સૂર

રાજકોટ તા. ૧૧ : સમગ્ર ગુજરાત - ભારતમાં કોરોનાની બીજી લહેરનો કહેર વર્તાઇ રહ્યો છે. છેલ્લા ૧ વર્ષથી વધુ સમય શાળા - કોલેજોમાં શિક્ષણ નહીવત જેવું છે ત્યારે અન્ય ક્ષેત્રોમાં કોરોનાની અસરથી ભારે હાલાકી જોવા મળે છે.

ગુજરાત રાજ્યમાં વાર્ષિક પરીક્ષા સમયે જ કોરોનાના કેસમાં ઉછાળો આવતા અને સ્થિતિ ગંભીર બનતા આખરે માસ પ્રમોશન તેમજ ગુજરાત શિક્ષણ બોર્ડની ધો. ૧૦-૧૨ની પરીક્ષા પાછી ઠેલવી પડી છે. પ્રાથમિક શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ તેમજ ઉચ્ચ શિક્ષણમાં પરીક્ષાના સમયની સાથે શૈક્ષણિક કેલેન્ડર પણ વેરવિખેર થયું છે.

ગુજરાતની સરકારી શાળામાં તો શિક્ષણ કાર્ય ખોરવાયું છે. શિક્ષકો અને અન્ય કર્મચારીઓને વિવિધ સરકારી કામગીરી સોંપાઇ છે તો કેટલીક ખાનગી શાળાઓની હાલત પણ કફોડી થઇ રહી છે.

છેલ્લા દોઢ દાયકાથી ખાનગી શાળાઓનો વ્યાપ વધતા નર્સરી શિક્ષણ અને પ્લે હાઉસનું શિક્ષણ વધી રહ્યું છે ત્યારે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં આ વર્ષ નર્સરી ક્ષેત્રે નવા પ્રવેશ મોટે ભાગે ખાલી રહ્યા છે.

કોરોના કાળમાં અને બીજી લહેરની ગંભીરતાને ધ્યાને લઇ યુનિવર્સિટીના ભવનો - શાળા - કોલેજો પણ બંધ છે ત્યારે ૨૦૨૧-૨૨ના નવા શૈક્ષણિક સત્રમાં નર્સરી ક્ષેત્રે એડમિશન માંડ ૫ થી ૭ ટકા જ જેવા જ થયા છે તો અનેક ખાનગી શાળાઓમાં તો હજુ નર્સરી પ્રવેશનું ખાતુ પણ ખોલ્યું નથી.

સામાન્ય રીતે ફેબ્રુઆરી - માર્ચ અને એપ્રિલ માસમાં નર્સરી ક્ષેત્રે પ્રવેશ કાર્ય હાથ ધરાતું હોય છે. ગત વર્ષ કોરોનાની સ્થિતિમાં આખુ વર્ષ ઓનલાઇન શિક્ષણના સહારે ચાલ્યું હતું. બાળકો - વાલીઓમાં ઓનલાઇન શિક્ષણની ભારે ફરિયાદ - વિરોધ ઉઠયો હતો. આ સંજોગોમાં નાના ભૂલકાઓને ૨૦૨૧-૨૨ના શૈક્ષણિક વર્ષમાં નર્સરી પ્રવેશ માટે મોટાભાગના વાલીઓએ એકમત થઇને પ્રવેશ લીધો નથી.

નર્સરી શિક્ષણમાં ખાનગી શાળાઓ મહિને ૨૫૦ થી ૧૫૦૦ જેવી ફી લેતા હોય છે ત્યારે હાલની સ્થિતિમાં બાળકોને શાળામાં નર્સરીને પ્રવેશ બદલે ઘરે જ શિક્ષણ આપવામાં આવે છે.

રાજકોટની ૪૫૦થી વધુ ખાનગી શાળાઓમાં દર વર્ષે ૩૦ હજારથી વધુ પ્રવેશ નર્સરી ક્ષેત્રે અપાતા હોય છે પરંતુ આ વર્ષે નર્સરીમાં પ્રવેશ લેનારા છાત્રોની સંખ્યા સદંતર ઓછી છે. આ માટે હાલની કોરોનાની સ્થિતિને જવાબદાર ગણવામાં આવી રહી છે.

(3:01 pm IST)