ગાંધીનગરમાં એકતરફી પ્રેમમાં પાગલ યુવાને યુવતીનો પીછો કરી છરીના ઘા જીકતા પોલીસે આરોપીને ઝડપી કાર્યવાહી હાથ ધરી
ગાંધીનગર:શહેરમાં રહેતી યુવતિના એકતરફી પ્રેમમાં પાગલ અને પોલીસપુત્ર એવા યુવાને યુવતિનો પીછો કરીને સે-રર/ર૩ કટ પાસે તેણીને ઉભી રાખી તેના હાથ ઉપર છરીના ઘા ઝીંક્યા હતા. ઘાયલ યુવતિને સારવાર માટે ખસેડાઈ હતી તો આ ઘટના અંગે સે-ર૧ પોલીસ મથકમાં ફરીયાદ થતાં પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી યુવાનને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેરમાં રહેતી યુવતિને મહિલા આસી.સબ ઈનસ્પેકટરના પુત્ર અને સે-ર૭ પોલીસ લાઈનમાં રહેતાં નિમેશ વાઘેલા નામના યુવાન સાથે બે વર્ષ અગાઉ પ્રેમ સંબંધ બંધાયો હતો. જો કે નિમેશ કોઈ કામધંધો નહીં કરતો હોવાની સાથે તેની વર્તુણુક પણ યોગ્ય નહીં જણાતાં આ યુવતિએ તેની સાથે સંબંધો કાપી નાંખ્યા હતા. જો કે નિમેશ આ યુવતિનો અવારનવાર પીછો કરતો હતો અને તેણીને હેરાન પણ કરતો હતો. જેથી યુવતિએ આ મામલે નિમેશના પરિવારજનોને પણ જાણ કરી હતી. ગઈકાલે આ યુવતિ તેની મોપેડ લઈને કોઈ કામ અર્થે સે-રરમાં આવી હતી અને ત્યારે નિમેશ બાઈક લઈને તેનો પીછો કરી રહયો હતો. જેના પગલે ગભરાઈ ગયેલી આ યુવતિએ સે-રર ટ્રાફિક પોલીસ સ્ટેશન પાસે તેનું મોપેડ ઉભુ રાખી દીધું હતું. ત્યારે નિમેશે તેને કહયું હતું કે મારી સાથે સંબંધ રાખવામાં તને વાંધો શું છે તેમ કહી તેના મોપેડની ચાવી કાઢી લીધી હતી. તું પ્રેમ સંબંધ રાખીશ કે પછી હું કાંઈક નવું કરી તેમ કહી છરી કાઢીને આ યુવતિના હાથ ઉપર ચાર જેટલા ઘા મારી દીધા હતા. યુવતિને લોહી નીકળવા લાગતાં તેણે બુમાબુમ કરી હતી અને યુવાન ત્યાંથી નાસી છુટયો હતો. ત્યારબાદ કોઈ રાહદારીએ આ યુવતિને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. જયાં તેણીની ફરીયાદના આધારે સે-ર૧ પોલીસે ગણતરીના જ કલાકોમાં આરોપી નિમેશ હિતેન્દ્રકુમાર વાઘેલા રહે. નવી પોલીસ લાઈન સે-ર૭, મકાન નં.૯/૯૯ને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.